માલધારી સમાજના અગ્રણીઓ અને લોકોએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લામાં લમ્પી વાયરસના કહેરથી દરરોજ પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. નજર સામે પોતાની આજીવિકા સમાન પશુધન ખતમ થઈ રહ્યું હોવાથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેથી મોરબી જિલ્લામાં લમ્પી વાઈરસથી મૃત્યુ પામેલ પશુધનનાં પશુપાલકોને પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવાની માગ સાથે માલધારી સમાજના અગ્રણીઓ અને લોકોએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. માલધારી સમાજના રમેશભાઈ રબારી સહિતના અગ્રણીઓ અને લોકોએ આવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ફેલાયેલ લમ્પી વાઈરસથી મોરબી જિલ્લામાં અસંખ્ય પશુધન નાશ પામેલ છે જે પૈકીનાં ઘણા પશુઓની નોંધ નથી અને ઘણા પશુઓને જે તે પશુપાલકોએ નિકાલ કરેલ છે ત્યારે આ બાબતે તમામ પશુપાલકો માલધારી કે અન્ય લોકોનો સર્વાંગી સર્વે કરી આવા મૃત પશુધન માટે પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય જાહેર કરવા માગણી છે. તમામ પશુપાલકોનાં પરિવારોની આજિવિકા માત્ર આ પશુ આધારિત હોઈ તેવા પરિવારો સાવ નિરાધાર અને બેરોજગાર બની ગયા છે. સબબ આ પ્રશ્ને તપાસ કરી આવા મૃત પશુઓની માહિતી મેળવી સંબંધકર્તા પશુપાલકોને ત્વરીત સહાય મળે તેવો પ્રબંધ થવાની માગણી છે. તેમજ કોરોના કાળમાં જાહેર જનતાના હિતાર્થે આ માલધારીઓ તેમના ઉત્પાદિત દૂધના ભાવ વધારેલ નહોતા. આ આ ભયંકર બિમારીની પરવા કર્યા વિના ઘેર ઘેર જઈ દૂધ પહોંચતુ કરેલ તેથી હાલ આ માલધારીઓનાં પશુધન નાશ પામેલ છે અને જે તે લોકો બેરોજગાર બનેલ હોઈ, આ પશુપાલકોને મદદરૂપ થવા સરકારશ્રીએ સત્વરે સહાય આપી તેઓની રોજગારી પુનઃ ચાલુ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.