છેલ્લા એક મહિનામાં જિલ્લા ફૂડ તંત્ર દ્વારા ડઝનબંધ કિસ્સામાં સેમ્પલ લઈ વડોદરા મોકલાયા મોરબી : મોરબી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં ડ્રગ્સ વિભાગના એક પણ કર્મચારીની નિમણુંક કરાઈ નથી ત્યારે માત્ર બે જ ઇન્સ્પેકટર વડે ચાલતી ફૂડ કચેરી દ્વારા છેલ્લા એકાદ મહિનામાં વિવિધ બ્રાન્ડેડ દૂધ, મસાલા, ટુટીફૂટી, મીઠાઈ અને ખાસ કરીને મોરબી જિલ્લામાં મોટાપ્રમાણમાં ઉત્પાદન થતા પીનટ બટરના નમૂના લઈ વડોદરા લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલી આપવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું છે. મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કચેરી દ્વારા છેલ્લા એકાદ માસમાં મોરબી જિલ્લામાં મોરબી શહેર, ટંકારા, વાંકાનેર સહિતના તાલુકામાં ચેકીંગ કરી શંકાસ્પદ ચીજવસ્તુના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં તુલસી બ્રાન્ડ દૂધ, માહી દૂધ, જનતા મસાલા, ટંકારા નજીક ઉત્પાદન થતું પીનટ બટર, ટુટીફૂટી, થાબડી, ટોપરાપાક સહિતના નમૂના લઈ વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાતમ આઠમના તહેવારો નજીકમાં જ આવતા હોય ફૂડ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી તહેવારો દરમિયાન પણ ચેકીંગ અને સેમ્પલીંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવનાર હોવાનું ફૂડ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.