ઉદ્યોગનગરી મોરબીમાં ઇન્ચાર્જ હવાલે ચાલતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં દરરોજ કર્મચારીઓ બહાર લોબીમાં ઉભા રહેવા મજબુર મોરબી : નવ - નવ વર્ષથી અલાયદો જિલ્લો બનાવ છતાં ઔદ્યોગિક નગરી મોરબી હજુ પણ સરકારી તંત્રમાં બધું લોલમલોલ ચાલી રહી છે ત્યારે જિલ્લાના મહત્વના ગણાતા ઉદ્યોગકેન્દ્ર્મા કાયમી અધિકારીની ગેરહાજરી વચ્ચે એક પટ્ટાવાળો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકોટથી નિયમિત અપડાઉન કરતા પટ્ટાવાળા પાસે કચેરીની ચાવી રહેતી હોય આ કચેરી ક્યારે ખુલે ? ક્યારે બંધ થાય તે નક્કી હોતું નથી પરિણામે કચેરીના અન્ય સ્ટાફને દરરોજ આ મહાશયની કાગડોળે રાહ જોવી પડે છે. સિરામિક,પેપરમીલ, બાથવેર સહિતના અનેક મોટા ઉદ્યોગોની સાથે એમએસએમઈ ઉદ્યોગોના અનેક યુનિટ મોરબી જિલ્લામાં આવેલા હોવા છતાં મોરબી જિલ્લા ઉદ્યોગકેન્દ્ર્મા કાયમી અધિકારીની ગેરહાજરીની ખોટ સાલી રહી છે. હાલમાં રાજકોટ જિલ્લા ઉદ્યોગકેન્દ્રના અધિકારી કે.વી.મોરીને ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ આ અધિકારી પણ ઈચ્છાધારી હોય અનુકૂળતા મળ્યે મોરબી જિલ્લા ઉદ્યોગકેન્દ્ર્મા આવે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ કચેરી ઈચ્છાધારી કર્મચારીઓથી ભરેલી હોય ક્યારેક ચાર વાગ્યામાં જ કચેરીને અલીગઢીયા તાળા લાગી જતા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ જિલ્લા કલેકટર કચેરીમાં બીજા મળે 234 નંબરના રૂમમાં બેસતી ધણીધોરી વગરની જિલ્લા ઉદ્યોગકેન્દ્રની ઉદ્યોગ શાખાની ચાવી રાજકોટથી કાયમી અપડાઉન કરતા ચોથા વર્ગના કર્મચારી પટ્ટાવાળા મહાશય પાસે જ રહેતી હોય કચેરીના અન્ય કર્મચારીઓ આ પટ્ટાવાળા આવે તો જ કચેરીમાં પ્રવેશી શકે છે. જો કે મજાની વાત તો એ છે કે અન્ય મોટાભાગના કર્મચારીઓ પણ રાજકોટથી જ અપડાઉન કરતા હોય મોરબીના અરજદારોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ઉદ્યોગ શાખાનું કામ હોય તો ધરમ ધક્કા ખાધા વગર કામ ન થતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે.