તાજેતરમાં નહેરુ ગેઇટ ઉપરથી કાંગરા ખરવાની ઘટના બાદ તંત્ર તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેવી સામાજિક કાર્યકરોએ માંગ ઉઠાવી મોરબી : મોરબીની શાન ગણાતો નહેરૂગેઇટ ટાવર એટલે નગર દરવાજો જર્જરીત થઇ ગયેલ હોય હાલતા ચાલતા માણસોએ ઘ્યાન રાખવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કેમ કે જર્જરિત ઇમારતના પોપડા કયારે માથે પડે તે કહી શકાય નહીં. આથી આ ભરચકક વિસ્તારમાં લોકોના જીવ ઉપર જોખમ ઉભું થતા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયાએ ચીફ ઓફિસર અને કલેકટર રજુઆત કરી નહેરુ ગેઇટ ટાવર પરથી પોપડા ખરતા કોઈ જાનહાની થાય તે પહેલાં યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. મોરબી જીલ્લામાં એકમાત્ર ટાવર નહેરૂ ગેઇટ જે હાલ જર્જરીત હાલતમાં છે જેમાં માથેથી પોપડા પડે છે અને માણસોને ચેતતા રહેવા ભલમણ છે કેમ કે પોપડુ કયારે પડે તે નકકી કહેવાય નહીં ? તો આ રાજા રજવાડા ના સમયનો નહેરૂ ગેઇટ ચોકનો ગેટ એ ખંઢેર હાલતમાં છે તથા તાજેતરમાં પથ્થર પડતા એક મહીલાનો હાથ ભાંગી ગયેલ હતો તથા એક અન્ય પુરૂષનું માથુ ફુટી ગયું હતું. ઉપરાંત અત્યારે રમજાન માસ તથા સાતમ આઠમનો તહેવાર આવી રહ્યા હોય ત્યારે ઢોલ નગરા તથા ડી. જે. હાઇ વોલ્ટેજ વાળા વગડવામાં આવતા હોય તેના ધ્વનીથી બીજા પોપડા ખરી પડવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં અહીંથી સરધસ નીકળતી વખતે ધોંધાટને કારણે ત્યાં વધારે નુકશાન થવાની ભીતી રહેલ છે. તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરીને નગર દરવાજાના ચોકનું નહેરૂ ગેઇટનું રીનોવેશ કરવુ જરૂરી છે. દરરોજના લાખો લાખો લોકોની અહીં અવર જવર રહે છે. તો કોઇ મોટી જાનહાની થશે તો ત્યારે શું નગરપાલીકા જવાબદારી સ્વીકારશે ? તેવા સવાલ પણ ઉઠાવ્યા છે. અંતમાં દેશ અને વિદેશમાં વખણાતા મોરબીની આન બાન શાન સમા નગર દરવાજા એટલે કે નહેરૂ ગેઇટ હાલમાં ખંઢેર હાલતમાં છે કેમ કે હજુ તો રીપેરીંગ થયેલ તેને પાંચ વર્ષ પણ પુરા થયેલ નથી ત્યાં જ નગરદરવાજા ઉપર મુકેલ ધડિયાળ પણ બંધ હાલતમાં છે તથા દેશભકિતનું ગીત પણ બંધ થવાની સાથે અંદરની લાઇટ પણ બંધ છે તો તે અંગે પણ તંત્ર ઘ્યાને આપે અને યોગ્ય પગલા લે એવી માંગ કરી છે.