લંપી વાયરસથી હજારો ગાયોના મૃત્યુ થતા દુઃખની લાગણી વ્યક્ત કરવા રતનપુરીબાપુએ ટેક લીધી હળવદ : હળવદ તાલુકાના માથક ગામે આવેલા રાણાબાપા આશ્રમના મહંતે 17 દિવસ ઉભાપગે (ખડેશ્વરી) રહેવાની ટેક લીધી છે. લંપી વાયરસથી હજારો ગાયોના મૃત્યુ થતાં મહંત રતનપુરીબાપુ ગુરુ કેદારપુરીબાપુએ આ ટેક લઈ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ગાયોમાં લંપી વાયરસથી આવેલી બીમારીના કારણે બાપુએ અબોલ જીવ પ્રત્યે તેઓની લાગણી વ્યક્ત કરવા વિચાર પૂર્વક આ પ્રકારની ટેક રાખવાનો નિર્ણય સમસ્ત ગામને સાથે રાખીને કર્યો છે. માથક ગામના રાણાબાપા આશ્રમના મહંત રતનપુરી બાપુ ગત તારીખ 31 જુલાઈથી આગામી તારીખ 16 ઓગસ્ટ સુધી એમ 17 દિવસ માટે અન્ન ત્યાગ સાથે ઉભાપગે (ખડેશ્વરી) રહી તપશ્ચર્યા કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે. 17 દિવસની આ તપશ્ચર્યા બાદ તેઓ અનુકૂળતાપૂર્વક માથકથી દ્વારકા જઇ દ્વારકાધીશની ધજાના દર્શન કરી અન્નગ્રહણ કરશે. ત્યાં સુધી અન્ન ત્યાગનું વ્રત રાખ્યું છે. આ સાથે બાપુએ માલ ઢોર રાખતા દરેક સમાજને અપીલ કરી છે કે દરેકે પોતાના ઘરે ગાયમાતાના ખીલે જ્યોત કરવી, સાથે ગંગાજળનો છંટકાવ કરવો. બળીયા બાપાજીને 11 રૂપિયાની પીપરની પ્રસાદી ધરીને વહેંચી દેવી, સરકારના નિયમોનું પાલન કરવું અને દવા અને દુઆ કરવી.