સગા ભાઈ, ભાભી, ભત્રીજાઓના નામે ચાલતી જય ડેવલોપર્સ ભાગીદારી પેઢીના સભ્યોએ અન્યોની જાણ બહાર નવી પેઢી ઉભી કરી નાણાં હડપ કરી લીધા મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ નિર્માણ કરનાર પારિવારિક સભ્યોની ભાગીદારી પેઢીના કેટલાક કૌટુંબિક સભ્યોએ અન્ય ભાગીદારોની જાણ બહાર નવી પેઢી ઉભી કરી લઈ ભાડાની આવક હડપ કરી લીધાનો આરોપ લગાવી ભાગીદારી પેઢીના ભાગીદારે ભાભુ, ભાઈજી અને અન્યો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. સ્કાય મોલના વિવાદ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મુંબઈના રહીશ અને સ્કાય મોલ નિર્માણ કરનાર જય ડેવલોપર્સ નામની પેઢીના ભાગીદાર એવા ધવલ મુકેશભાઈ મહેતાએ આ જ પેઢીના ભાગીદાર રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા રહે. મુંબઇ, હનીશભાઇ અજયભાઇ શાહ રહે.મુંબઇ, મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા રહે.મુંબઇ, હેતલબેન રજનીકાંત, રહે.મુંબઇ અને રાજકોટના અન્ય બે ઈસમો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જય ડેવલોપર્સ નામની પેઢી ધવલ મુકેશભાઈ મહેતાના ભાઈજી, ભાભુ અને અન્ય સગાઓએ સાથે મળીને બનાવી હતી અને વર્ષ 2011માં સ્કાય મોલ નિર્માણ કરી ભાડે આપવાનો બિઝનેશ શરૂ કર્યો હતો જેમાં આ જ પેઢીના ભાગીદાર રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા રહે. મુંબઇ, હનીશભાઇ અજયભાઇ શાહ રહે.મુંબઇ, મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા રહે.મુંબઇ, હેતલબેન રજનીકાંત, રહે.મુંબઇ અને રાજકોટના અન્ય બે ઈસમોએ મિલાપીપણુ કરી ભાગીદારી પેઢીની જાણ બહાર યુનિક ફુડક્રાફટ નામની પેઢી બનાવી ગત તા.7 એપ્રિલ 2022થી 6 જુલાઈ 2022 દરમિયાન સ્કાય મોલના બેંકવેટ હોલ અને અન્ય ભાગો ભાડે આપી રૂપિયા 1,93,605 યુનિક ફૂડ ક્રાફ્ટના ખાતામાં જમા કરી ભાગીદારી પેઢી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાવાયું છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સ્કાય મોલના ભાગીદાર એવા ધવલભાઈ મુકેશભાઈ મહેતાની ફરિયાદને આધારે હાલ નાણાકીય હિસાબની લેતીદેતીમાં ગોલમાલ કરનાર તમામ ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૫૦૪,૫૦૬(૨)૧૧૪, મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.