અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ લેબને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા ખુલ્લી મૂકશે મોરબીઃ શકત શનાળાની સરસ્વતી શિશુમંદિર ખાતે આવતીકાલે તારીખ 31 જુલાઈ ને રવિવારના રોજ અટલ ટિંકરીંગ લેબનો શુભારંભ થશે. રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે લેબનું ઉદ્ઘાટન થશે. વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર, સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ શકત શનાળા ખાતે આ અદ્યતન લેબનું નિર્માણ થયું છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડોમાં ખરી ઉતરેલી આ શાળાને લેબ ફાળવવામાં આવી છે. આ લેબ અંતર્ગત ભૌતિક વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના અભ્યાસમાં ઉપયોગી પ્રયોગ માટેની વિપુલ સાધન સામગ્રીથી સજ્જ લેબ તૈયાર કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન આવતીકાલે તારીખ 31 જુલાઈને રવિવારે સવારે 9 કલાકે શકત શનાળાના સરસ્વતી શિશુમંદિર ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે થશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર અને રોબોટાસ્ક ટેક્નોલોજીના સીઈઓ ડો. પાર્થભાઈ ભાવસાર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારી વિજ્ઞાન લેબ જોવા તથા સમજવા માટે સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટીયા, નિયામક સુનિલભાઈ પરમાર અને માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના પ્રમુખ ડો. બાબુભાઈ અઘારાએ આમંત્રણ પાઠવ્યું છે.