જોખમી પુલ ઉપર અવરજવર બંધ કરવામાં આવી હોવા છતાં ટ્રક ચાલક પસાર થતા આગળનું વ્હિલ પાળી નીચે ઉતરી ગયું મોરબી : મોરબીના ગાળા ગામ નજીક લાંબા સમયથી જર્જરિત બનેલો પુલ જોખમી બનતા આ પુલ ઉપર અવર જવર બંધ કરવામાં આવી છે છતાં પણ આજવા રાત્રીના સમયે એક ટ્રક ચાલક આ પુલ ઉપરથી પસાર થતા ટ્રકનું આગળનું વ્હિલ પુલની પાળી નીચે ઉતરી જતા ટ્રક જોખમી રીતે લટકી ગયો હતો. જો કે, સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલા જર્જરીત પુલને હાલ અવર જવર માટે બંધ કરી દેવાયો છે. તેમ છતાં આ પુલ પરથી આજે જીજે 12 ઝેડ 4636 નંબરનો ટ્રક પસાર થતા આ સાંકડા પુલ પરથી ટ્રકનું એક વ્હીલ પુલ નીચે લટકી ગયું હતું. જોકે સદનસીબે ટ્રક પુલ નીચે ખાબકતા સહેજમાં રહી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ગાળા ગામ નજીક નદી પરના જર્જરીત પુલને લાંબા સમયથી અવર જવર માટે બંધ કર્યો છે પરંતુ આજે રાત્રીના કોઈપણ કારણોસર ઉપરોક્ત ટ્રક આ પુલ પરથી પસાર થતા જર્જરીત પુલની એકબાજુની સેફ્ટી દીવાલ પણ તૂટી ગઈ હતી અને પુલની કડો કડ ટ્રકનું વ્હીલ પુલ નીચે ઉતરી ગયું હતું. જોકે સદનસીબે આ ટ્રક પુલ નીચે ખાબકતા સહેજમાં રહી ગયો હતો. અને કોઈ જાનહાની થાય ન હતી. હાલ આ ફસાયેલા ટ્રકને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.