મોરબીઃ મોરબીની એકમાત્ર વનસ્પતિ બીજ બેક 'વનવગડાની વનસ્પતિઓ' પુસ્તકના લેખક પ્રાણજીવન કાલરિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ બીજ બેંક વિલુપ્ત થઇ રહેલી બહુમૂલ્ય વનસ્પતિઓના બીજનું ફ્રીમાં વિતરણ કરે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યરત આ બીજ બેંક કુરિયર દ્વારા સમગ્ર ભારતમાં બીજ મોકલે છે. આ બીજબેંકમાં ચાર પ્રકારની બલા, ત્રણ રંગના કાંચનાર, ત્રણ રંગની ચણોઠી, ત્રણ રંગની અપરાજિતા, ત્રણ પ્રકારના તુલસી, ભાતભાતની તુંબડી, કેરડા, ખેર, ખીજડો, કડાયો, સફેદ ચંદન, રક્તચંદન, રતાંજલી, બોરસલી, બહેડા, હરડે, શિવજટા, પીલુ, ગુંદી, અશ્વગંધા, લજામણી, કરિયાતું, વૈજયંતિ, મરેઠી, ગળો જેવી ૧૫૦ પ્રકારની વનસ્પતિઓના બીજ ઉપલબ્ધ છે. આ બીજબેંક દ્વારા હજારો પ્રકૃતિ પ્રેમીઓને, પ્રાથમિક શાળાઓને, સંસ્થાઓને લાખોની સંખ્યામાં બીજ વિતરણ કરેલ છે. એપાર્ટમેન્ટના સહિયારા પ્લોટમાં બહેનોની મદદથી વનસ્પતિ ઓળખ અને ઔષધીય ઉપયોગ માટે બનાવેલ યોગીપાર્કમાં અરડુસી, નગોડ, લીંડીપીપર, શતાવરી, જીવંતી, ગળો, ચણોઠી, ત્રણ રંગની અપરાજિતા, લજામણી, વૈજયંતિ, તુલસી, હાડસાંકળ, કુંવારપાઠું, પોપટી, કેના, ગુગળ, પારિજાત, નોળવેલ, આમળાં, જામફળ, દાડમ, શેતૂર, બોરસલી, બીલી, મીઠો લીમડો, લીંબુ, રાયણ તથા વિવિધ કુલછોડ ઉછેરેલા છે. લેખકે તેમના 'વનવગડાની વનસ્પતિઓ' નામના બે ગ્રંથમાં ૪રપ જેટલી વનસ્પતિઓની સચિત્ર ઓળખ કરાવી, તેમના ઔષધીય ઉપયોગ પણ વર્ણવેલ છે. વનસ્પતિઓ વિષયક તમામ પ્રકારની જાણકારીનો પ્રચાર-પ્રસાર કરવા 'વનવગડાની વનસ્પતિઓ” નામનું ફેસબુક ગૃપ બનાવેલ છે. જેમાં હાલ દેશભરના તથા અમેરિકા, બ્રિટન, યુએઇ, કેનેડા વગેરે ૩૯ અન્ય દેશોનાં ૧૧૫૦૦ થી વધુ વનસ્પતિ પ્રેમીઓ જોડાયેલા છે. મોરબી ખાતે રૂબરૂમાં બીજ ફ્રી માં મળશે. ગુજરાતમાં કુરિયરથી મંગાવવા માટે ૫૦ રૂપિયા કુરિયર ચાર્જ છે. અન્ય રાજ્યો માટે કુરિયર ચાર્જ ૫૦ થી ૧૦૦ રૂપિયા સુધી થશે. આ માટે ૯૪૨૬૨૩૨૪OO નંબર પર વોટસએપ કરવો.