બન્ને કર્મચારીઓએ ત્રીજા વ્યક્તિને થેલા સોંપીને આદિપુર ઉતારી દીધા હોવાનું ખુલ્યું : બન્નેની ધરપકડ, ત્રીજાની શોધખોળ મોરબી : ભુજથી રાજકોટ આવતી એસટી બસમાં ચાલુ બસે આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પાસેથી રૂ. 40 લાખની રોકડ અને સોના ચાંદી ભરેલો થેલો ચોરાઈ ગયાના બનાવમાં ઘરના જ ઘાતકી નીકળ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બન્ને કર્મચારીએ જ તેના એક સગાને થેલા આપી દીધા હોય બાદમાં ખોટી ચોરીની સ્ટોરી ઘડી હોવાનું તપાસના ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ તા.26 જુલાઈના રોજ ભુજ- રાજકોટ રૂટની એસ.ટી.બસમાં મહેન્દ્ર પ્રવિણ આંગડીયા પેઢી- રાજકોટના બે કર્મચારીઓ અલગ અલગ ચીજ વસ્તુના ત્રણ થેલા લઇને ભુજથી રાજકોટ આવતા હતા. જેમાં એક થેલામાં રોકડા રૂ. 30 લાખ તથા સોના-ચાંદીના દાગીના કિ.રૂ. 10 લાખ મળી કુલ રૂ.40 લાખની મતાના થેલા હતા. જે ચાલુ બસે કોઇ અજાણ્યા ચોરી કરી લઇ ગયેલની ફરિયાદ મોરબી સીટી એ ડિવી. પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. પોલીસે તપાસ આદરતા ચોક્કસ રાહે બાતમી મળી હતી કે આ બનાવમાં આંગડીયા પેઢીના કર્મચારી જ સંડોવાયેલ હોય અને તેઓએ જ બનાવને અંજામ આપેલ છે. જેના આધારે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમોએ મહેન્દ્ર પ્રવિણ આંગડીયા પેઢી- રાજકોટના બન્ને કર્મચારીઓ આનંદજી હમીરજી પરમાર ઉ.વ.42, રહે.હાલ- રાજકોટ, સોની બજાર, મુળ રહે ચંદ્ગુ માણા તા. જિ. પાટણ અને અજીતસિંહ નથાજી પરમાર રહે. સબોસણ તા.જી. પાટણવાળાની અલગ અલગ રીતે યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા બન્ને પુછપરછમાં ભાંગી પડેલ અને બન્ને કર્મચારીઓએ મળી આ થેલો ગાયબ કરવાનો પ્લાન કરેલ હોવાની કબૂલાત આપી હતી. વધુમાં તેઓએ કબૂલાત આપી હતી કે તેઓએ આ પ્લાનમાં પોતાના સગા સિધ્ધરાજસિંહ સરતનજી પરમાર રહે. કોસા તા.જી. પાટણ વાળાને સામેલ કરી તેને આદિપુર બસ સ્ટેન્ડ ખાતે બોલાવી તે પણ આ ભુજ-રાજકોટ રૂટની બસમાં બેસી ગયેલ અને ભચાઉની ટિકિટ લઈ આ બન્ને કર્મચારીઓએ રોકડ રૂપીયા તથા સોના-ચાંદીના પાર્સલ ભરેલ થેલો તેને આપી દેતા તે થેલો લઇને ભચાઉ બસ સ્ટેન્ડે ઉતારી ગયેલ હતો. આમ, બન્ને કર્મચારીઓએ જ મળીને રૂ. 40 લાખની કિંમતનો થેલો ગાયબ કરી દઇ મોરબી ખાતે બસ આવતા મોરબી સીટી એ ડિવી. પોલીસ સ્ટેશન ખાતે જઇ ચાલુ બસે થેલાની ચોરી થયેલની ખોટી ફરિયાદ કરી હતી. પોલીસે આ બન્ને શખ્સની ધરપકડ કરી છે અને સિધ્ધરાજસિંહ સરતનજી પરમાર રહે. કોસાગામ તા.જી. પાટણની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરલો ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, AHTU મોરબીના કર્મચારીઓ રોકાયેલ હતા.