મોરબીઃ મોરબી 181 અભયમ ટીમે પતિનાં શંકાશીલ સ્વભાવના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયેલી પીડિતાનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. મોરબી 181 અભયમની ટીમને કોલ દ્વારા માહિતી મળી હતી કે, એક મહિલા ઘરેથી નીકળી ગયા છે તેઓ ખૂબ ચિંતામાં છે. જે કોલને આધારે 181 અભયમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, કોન્સ્ટેબલ ભારતીબેન ધલવાણીયા તેમજ પાયલોટ હેઈદરભાઈ કાગેસીયા ઘટના સ્થળે અજાણ્યા બહેનની મદદ માટે પહોંચ્યા હતાં. 181ની ટીમે પીડિતાને સમજાવીને તેમનું કાઉન્સિલિંગ કર્યું હતું. બહેન સાથે 181 અભયમ ટીમે વાતચીત કરી હતી અને વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, પીડિતાના આજથી છ મહિના પહેલા જ લગ્ન થયા છે. પીડિતા પાસેથી તેના પતિનો ફોન નંબર મેળવી તેના પતિ સાથે મોબાઇલ દ્વારા વાતચીત કરી તેમના ઘરનું સરનામું જાણી 181 અભયમ ટીમે પીડિતાની સાથે તેના સાસરીમાં ગયાં હતાં તેના સાસરીવાળાને મળી ઘટનાની તમામ માહિતી આપી હતી. ત્યારબાદ પીડિતાના સાસરીવાળાએ જણાવ્યું હતું કે, પીડિતાને કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની પતિ ખોટી શંકા રાખતા હતા અને તેના લીધે બન્ને વચ્ચે મતભેદ અને ઝઘડો થયો હતો તેઓ કંટાળીને ઘરેથી ભાગી ગયા હતા. 181 અભયમ ટીમ દ્વારા તેના પતિ અને સાસરીના સભ્યોને સલાહ સુચન માર્ગદર્શન આપી તેમના વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું અને બહેનના પિયરના સભ્યોને બોલાવી તેમની સાથે પણ વાતચીત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આમ પીડિતાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવાતા પરિવારના સભ્યોએ 181 અભયમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.