નાળિયેરમાં કીડિયારું પુરી કીડીઓને કરાવે છે સાત ભાતના ભોજન ટંકારાઃ ટંકારા શહેર નજીક આવેલા આર્ય નગરના ધર્મભક્તિ સોસાયટી વિસ્તારના ચબૂતરા પાસે કીડી તેમજ અન્ય નાના જીવો માટે 51 નારિયેળમાં સાત ભાતનું કીડીયારું પુરી વરસાદી માહોલ વચ્ચે ભરપેટ ભોજન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટંકારાના જીવદયા પ્રેમી યુવાન મિત્રો સ્મિત જાની, યોગીરાજસિહ જાડેજા, મિલન નિમાવત સહિતના યુવાનો દ્વારા ચોમાસાની ઋતુમાં કીડીઓને ભોજન મળી રહે તે માટે નાળિયરમાં વિવિધ વસ્તુઓ અને કરકરો લોટ ભરી ઉંચાણ વાળી જમીનમાં નાળિયેર દાટવામાં આવે છે. વધુમાં સેવાભાવી યુવાનોએ જણાવ્યું છે કે, કીડીઓને લોટ નાખવાની જગ્યાએ કરકરુ અને કઠણ વસ્તુઓ જેવી કે, શીંગદાણા, તલ, આખી ખાંડ, સોજી, ઘી, ચોખા, મગની દાળ આ સાત વસ્તુને મિક્સ કરીને સુકા અથવા પાણી વગરના નાળિયેરમાં ભરીને કીડીયારું પુરવું જોઈએ. આ કીડીયારુ ત્રણ થી છ મહિના સુધી ચાલે છે. અને આ નાળિયેરને વૃક્ષ પાસે આંખો બહાર રહે તેમ આડા દાટી દેવા જોઈએ, સેવાભાવી યુવાનો દ્વારા અન્ય કોઈ વિસ્તારમાં કીડીઓની માત્રા વધારે હોય અને આ કાર્ય કરવા ઇચ્છતા હોય તો 9265081047 / 91069 14140 નંબર સંપર્ક કરવા જણાવાયું છે.