મોરબીને મહાનગરપાલિકા બનાવવાની સાથે મોરબી અને માળીયા તાલુકાનું વિભાજન કરીને જેતપરને નવો તાલુકો બનાવવા મુખ્યમંત્રીને લેખિત રજુઆત મોરબી : મોરબી મહાનગરપાલિકા બનાવવા માટે તમામ રીતે સક્ષમ છે. મોરબી મહાનગરપાલિકા બને તો જ હાલની તમામ સમસ્યાઓનો ઉકેલ આવે તેમ છે તેવી મોરબીના સ્થાનિક લોકો, વિવિધ સીરામીક એસોસીએશનો, ટ્રસ્ટો અને જિલ્લાના સુગ્ન આગેવાનો તથા આસપાસના વિસ્તારમાં વિકસિત થયેલ ઔદ્યોગિક એકમોના ઉદ્યોગપતિઓની આવેલી રજુઆતને ધ્યાને લઇ પૂર્વ મંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયાએ મુખ્યમંત્રી રજુઆત કરી મોરબીને મહાનગરપાલિકા બનાવવાની સાથે મોરબી અને માળીયા તાલુકાનું વિભાજન કરીને જેતપરને નવો તાલુકો બનાવવા માંગ કરી છે. પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાએ રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબી શહેર ઔદ્યોગિક અને સામાજિક રીતે વિકસિત થઇ રહ્યું છે. મોરબી જિલ્લા મથકને મોરબી નગરપાલિકાના તેમજ આજુબાજુના વિસ્તારની વસ્તીને જોતાં મહાનગરપાલિકા-મોરબીની રચના કરવામાં આવે તો સમગ્ર મોરબી જિલ્લા મથકનો અવિરત રીતે વિકાસ થતો રહેશે અને લોકોને મહાનગરપાલિકા મુજબની જનસેવાઓ પણ સમયસયર અને નિયમિત રીતે પૂરી પાડી શકાશે.ઉપરોકત સંજોગો અને ભૌગોલિક રીતે જોતાં મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તે સમયની માંગ અને લોકોની સુખાકારી માટે ખૂબ જ ઉપયોગી પૂરવાર થાય તેમ છે. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાંથી જ્યારે મોરબી જિલ્લા મથક અસ્તિત્વમાં આવેલ ત્યારે મોરબી તાલુકામાં અંદાજે ૧૦૪ જેટલાં ગામોનો સમાવેશ કરવામાં આવેલ. જે-તે વખતે પણ આ તાલુકો વધારે ગામોનો બનેલ. એટલુ જ નહિ પણ પાછળથી મોરબી તાલુકામાં જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પણ અમુક ગામોનો સમાવેશ કરવામાં આવતાં આજે મોરબી તાલુકો ૧૧૨ જેટલા ગામોનો મોટો તાલુકો બનેલ છે, જેની અંદાજીત વસ્તી ૨,૫૦,૦૦૦ (અઢી લાખ) જેવી થવા જાય છે. જે વસ્તી અને ગામો ધરવાતો ગુજરાતમાં સૌથી મોટો તાલુકો હશે. આમ, મોરબી અને માળીયા(મી) બે તાલુકાનું વિભાજન કરી, નવો ત્રીજો તાલુકો જેતપર તાલુકો બનાવવો ખુબ જ આવશ્યક અને અનિવાર્ય છે. આમ કરવાથી મોરબી તાલુકાના, માળીયા(મી) તાલુકાના અમૂક ગામો ભૌગોલિક રીતે અને અંતરની દ્રષ્ટિએ સ્વેચ્છાએ નવરચિત જેતપર તાલુકામાં કે મોરબી તાલુકા અથવા તો માળીયા(મી) તાલુકામાં સમાવિષ્ટ થશે. આમ કરવાથી મોરબી તાલુકો નાનો કરી શકાશે પરિણામે દિન-પ્રતિદિન વિકસિત થતાં જતાં ત્રણેય તાલુકાની કામગીરીમાં વહીવટી સરળતા રહેશે. માળીયા(મી) તાલુકા મથક પણ સંવેદનશીલ હોવાથી આસપાસના ગામોના લોકોને ખૂબ જ પ્રતિકૂળ પડે છે. આથી માળીયા(મી) તાલુકાનું મુખ્ય મથક પીપળીયા ચાર રસ્તા એ કરવામાં આવે તેમ કરવું જરૂરી છે. એટલુ જ નહિ પણ તાલુકા મથકની કચેરીઓ જે બિસ્માર થયેલ છે તે નવી જ બનાવવાની થાય છે તો તે નવી જ જગ્યાએ એટલે કે પીપળીયા ચાર રસ્તા ખાતે થાય તો લોકોને સુગમતા રહે તેમ છે. ઉપરોક્ત બાબતે આપની કક્ષાએથી જરૂરી તટસ્થ રીતે ચકાસાવીને નિયત ધારાધોરણો ધ્યાને રાખી, મોરબી, માળીયા(મી)નું ત્રણ તાલુકામાં વિભાજન કરી, મોરબી, માળીયા(મી) અને જેતપર નવા તાલુકા બનાવવામાં આવે તેવી તેમણે માંગ ઉઠાવી છે.