મોરબી જિલ્લા આમ આદમીના હોદેદારોએ લઠ્ઠાકાંડ મામલે ભાજપ સરકારને આડે હાથ લઈ આકરા પ્રહારો કરીને દારૂબંધીની કડક અમલવારી કરવા માંગ કરી મોરબી : ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે આમ આદમી પાર્ટીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. સરકારે પોતાની નાકામી છુપવવા લઠ્ઠાકાંડને કેમિકલકાંડમાં ખપાવ્યું હોવાનો આરોપ મૂકી લઠ્ઠાકાંડ મામલે ભાજપ સરકારને આડે હાથ લઈ આકરા પ્રહારો કરીને દારૂબંધીની કડક અમલવારી કરવા માંગ કરી હતી. ગુજરાતના બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૩૬થી વધુના મોત નિપજતા રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, યુવા નેતા પંકજભાઈ રાણસરિયા તેમજ ટ્રેડ વિંગના નેતા ગીરીશભાઈ પેથાપરાએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આવી ઘટનાની માટેના જવાબદારો લોકો સામે કડક પગલાં ભરવા અને દારૂબંધીની કડક અમલવારી કરવા ભાજપ સરકાર સમક્ષ માંગ કરી છે. વધુમાં મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાએ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધી ખાલી કહેવા પૂરતી છે. ભાજપ સરકારે પોતાની આ નાકામી છુપવવા માટે લઠ્ઠાકાંડને કેમિકલકાંડમાં ખપાવ્યું છે. હકીકતમાં આટલા બધાં લોકો કેમિકલ પી શકે એ વાત કોઈ કાળે ગળે ઉતરે એમ નથી. દારૂબંધીનો અમલ કરવમાં આ સરકાર નિષ્ફળ નીવડી છે. જ્યારે યુવા નેતા પંકજભાઈ રાણસરિયાએ લઠ્ઠાકાંડમાં સામાન્ય લોકો જ ભોગ બન્યા છે. કારણ કે દેશી દારૂની લત સામાન્ય પરિવારના શ્રમિકોને જ હોય છે. જે મોટા મોટા માથા હોય છે એ તો સારી ઉત્તમ ક્વોલિટી વાળો દારૂ મંગાવે છે. એટલે લઠ્ઠાકાંડમાં સામાન્ય લોકોના પરિવાર બરબાદ થઈ ગયા હોય હવે દારૂબંધીના અમલ માટે સરકાર જાગે તે જરૂરી છે. ટ્રેડ વિંગના નેતા ગીરીશભાઈ પેથાપરાએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી લઠ્ઠાકાંડ સરકાર માટે કંલકરૂપ બાબત છે. જો ગુજરાત દારૂબંધી હોય તો, શેરીએ ગલીએ દેશી દારૂ મળે જ નહીં. બીજી ઘણી બધી કાયદેસરની વસ્તુઓ હોય છે એ મેળવવામાં હાલાકી પડે છે. પણ દારૂ મેળવવામાં જરાય મુશ્કેલી પડતી નથી. એટલે હવે હદ થઈ હોય સરકાર દારૂબંધી માટે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.