મોરબીના ઉદ્યોગપતિએ વેપારીઓ સાથેની આમ આદમી પાર્ટીની મિટિંગમાં સીરામીક ઇન્ડસ્ટ્રીઝના પાણી અને ગેસના પ્રશ્ન ઉકેલવા માંગ ઉઠાવી મોરબી : ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોના મન જીતવા અત્યારથી જ કવાયત શરૂ કરી રાજકોટમાં વેપારી અને ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક યોજતા મોરબીના ઉદ્યોગપતિ દ્વારા આ બેઠકમાં હિંમતપૂર્વક ભાગ લઈ સિરામીક ઇન્ડસ્ટ્રીઝને પડતી મુશ્કેલી વર્ણવી જીએસપીસી ગેસની મનમાની અને સિરામીક ઇન્ડસ્ટ્રીઝને પીવાના પાણીની પરિસ્થતિનો ઉકેલ માંગ્યો હતો. ગઈકાલે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ સંવાદ કાર્યક્રમમાં મોરબીના ઉદ્યોગપતિ ભાવેશભાઈ પટેલે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા અને દેશમાં સૌથી વધુ ટેક્સ ચુકવતા મોરબીના સિરામીક ઉદ્યોગને પડતી મુશ્કેલી અંગે ખુલ્લા મને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પાસે ઉકેલ માંગ્યો હતો. સિરામીક ઉદ્યોગપતિ ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આટલો મોટો ઉદ્યોગ હોવા છતાં અહીં જીએસપીસી કંપની મનમાની ચલાવી રહી છે અને જીએસપીસીના એકચક્રી શાસનને કારણે ગેસ કંપની મન પડે ત્યારે 15 પૈસાથી લઈ 25 રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીકી સિરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખી હોવાનો વસવસો વ્યક્ત કરી વીજળી સમસ્યા અને પ્રધાનમંત્રી દ્વારા સિરામીક ઇન્ડસ્ટ્રીઝને પાણીની સુવિધા આપવા છતાં હજુ સુધી પાણી મળવું તો ઠીક પાણીની લાઈન પણ નાખવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વેપારી અને ઉદ્યોગપતિઓ સાથેના આ સંવાદ કાર્યક્રમમાં મોરબીના ઉદ્યોગપતિ દ્વારા રોડ, રસ્તાના પ્રશ્નો અને અન્ય સ્થાનિક પ્રશ્નો રજૂ કરી મોરબી શહેર આટલો ટેક્સ ચુકવતું હોવા છતાં વિકસિત શહેરને બદલે ધૂળિયું નગર બની ગયું હોવાનું તેમને જણાવી દિલ્હીના મુખ્યમંત્રી સમક્ષ સીરામીક ઉદ્યોગને પડતી મુશ્કેલી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. બીજી તરફ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ બાદ આપ સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેપારીઓને જો ગુજરાતમાં આપણું શાસન આવશે તો ડરનો માહોલ ખતમ કરી વેપારીઓને અને ઉદ્યોગપતિઓને માન, સન્માન, ઈજ્જત આપવાની સાથે ભ્રષ્ટાચાર મુક્ત શાસન તેમજ વેંત જીએસટીના રિફન્ડનો પ્રશ્ન છ મહિનામાં ઉકેલી સરકાર વેપારી અને ઉદ્યોગપતિઓ સાથે ભાગીદાર બની તમામ સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.