રોડ ઉપર સતત પાણી ભરાઈ રહેતા વેપારીઓના ધંધા ઉપર માઠી અસર, નવા બનેલા રોડ ઉપર પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકોને મુશ્કેલી મોરબી : મોરબીના બજાર વિસ્તાર ગણાતા નવા ડેલા રોડ ઉપર વરસાદી પાણી સતત ભરાય રહેતા વેપારીઓના ધંધા ઉપર માઠી અસર સર્જાઈ છે. નવા બનેલા રોડ ઉપર પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ છે. આથી વેપારીઓએ આ બાબતે નગરપાલિકાને રજુઆત કરી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે. મોરબીના નવા ડેલા રોડ ઉપર તાજેતરમાં નવો રોડ બન્યા પછી વરસાદી પાણી નિકાલનો પ્રશ્ન પેચીદો બન્યો છે. નવો રોડ ઊંચો બનતા અને જૂનો રોડ જે વિજય ટોકીઝ થી નવા ડેલા રોડ ઉપર આવે છે તે જૂનો હોય નીચો રહી જતાં પાણી ભરવાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. વરસાદી પાણીનાં કાયમી નીકાલની કોઈ વ્યવસ્થા નથી.વહેતા વરસાદી પાણીને સીધું ભૂગર્ભ ગટરમાં જોડી દેતા તે નિકાલ પણ ચોક અપ થઈ જાય છે અને વરસાદ પછી પાણી લાંબો સમય રોડ ઉપર રહે છે. પરિણામે ગંદકી મચ્છર અને અકસ્માતનો સતત ભય રહે છે. લોકોને ભારે મુશ્કેલી પડે છે. તેમજ વેપારીઓને ધધો કરવામાં પણ હાલાકી પડે છે. રોડ ઉપર સતત પાણી ભરાઈ રહેવાથી નવો રોડ ટુક સમયમાં તૂટી જશે તેથી આ બાબતે યોગ્ય પગલાં ભરવાની માંગ સાથે સમાજ સેવક જીતુ ઠક્કરે ચીફ ઓફિસરને રજુઆત કરી છે.