ભુજ-ભાવનગર રૂટની બસમાં બનેલા બનાવની જાણ મોરબી જુના બસસ્ટેન્ડમાં આવીને થતા પોલીસ તપાસનો ધમધમાટ : આંગડિયા કર્મચારી શંકાના દાયરામાં મોરબી : ભુજ - ભાવનગર રૂટની એસટી બસમાં બેસીને આવી રહેલા મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના બે કર્મચારીના માતબર રોકડ ભરેલા થેલા ભુજથી મોરબી વચ્ચે ઉપડી ગયા બાદ મોરબી આવીને જાણ થતા હાલ મોરબી પોલીસને જાણ કરાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.જો કે રોકડ ભરેલા થેલામાં કેટલા રૂપિયા હતા અને ક્યાંથી થેલો ઉપડી ગયો તે અંગે આંગડિયા પેઢીના કર્મચારી ફોડ ન પાડતા આંગડિયા પેઢીના કર્મચારી જ શંકાના દાયરામાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ આજે ભુજથી ભાવનગર તરફ જઈ રહેલ એસટી બસમાં માતબર રોકડ રકમ, સોનુ અને ચાંદી થેલામાં લઈને નીકળેલા મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના કર્મચારીના ત્રણ પૈકી એક રોકડ ભરેલા થેલાની બસમાંથી ઉઠાંતરી થઇ ગઈ હોવાની જાણ આંગડિયા પેઢીના કર્મચારીને છેક મોરબી આવીને થતા તાકીદે સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આંગડિયા પેઢીના કર્મચારીની ઉલટ તપાસ કરતા આ કર્મચારી ફર્યું ફર્યું બોલીને ભચાઉ નજીક થેલો ઉપડી ગયો હોવાનું રટણ કરતો હોવાનું જાણવા મળે છે. જો કે આ થેલામાં કેટલી રકમ હતી તે સહિતની બાબતોને લઈ આંગડિયા પેઢીનો કર્મચારી જવાબ ન આપતો હોય સમગ્ર મામલે કચ્છ પોલીસને સોંપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.