માનવજાત પ્રાચીન ગ્રંથોના ઉપદેશને અનુસરે તો વિશ્વમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ પ્રવર્તી શકે : ડો. સાહેરાબાનુ પઠાણ મુસ્લિમ દીકરીએ હિન્દુ પુરાણોમાં માનવીય મૂલ્યો અંગે પી.એચડી. કરી 'સર્વ ધર્મ સમભાવ'નું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું 'મોરબી અપડેટ'એ કોમી એકતાના આદર્શરુપ ડો. સાહેરાબાનુ પઠાણ સાથે કરેલી ખાસ વાતચીત મોરબી : 'ના હિન્દુ નીકળ્યાં, ના મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા.' નાત-જાતના ભેદભાવથી પર માનવધર્મને ઉજાગર કરતા કવિ અમૃત ઘાયલના શબ્દોને મોરબીની દીકરીએ સાર્થક કરી બતાવ્યા છે. મોરબી શહેરના મકરાણીવાસમાં રહેતા સામાન્ય પરિવારની દીકરી સાહેરાબાનુ પઠાણે સંસ્કૃત ભાષામાં 'વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્ય : એક અદ્યયન' વિષય અંગે પ્રોફેસર ડો. એમ. કે. મોલિયાના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પી.એચડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. ત્યારે 'મોરબી અપડેટ'એ કોમી એકતાના આદર્શરુપ ડો. સાહેરાબાનુ પઠાણ સાથે ખાસ વાતચીત કરી છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પરિવારે ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરવામાં પૂરતો સહયોગ આપ્યો છે ડો. સાહેરાબાનુ પઠાણ સૌ પ્રથમ માતા-પિતાનો આભાર માનતા જણાવે છે કે મારા પિતા અનવરખાને મકાનોમાં રંગરોગાનનું જાત મહેનતથી કામ કરીને ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો એમ છ ભાંડેરાને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં મારા માતા-પિતાએ 'દીકરા-દીકરી એક સમાન'ની ભાવના સાથે અમારો ઉછેર કર્યો છે અને મને ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરવામાં પૂરતો સહયોગ આપ્યો છે, જે બદલ માતા-પિતાનો આભાર માનું તેટલો ઓછો છે. પુરાણોમાં રુચિ હોવાથી તેનો અભ્યાસ સરળ અને સહજ લાગ્યો છે ડો. સાહેરાબાનુ 'विद्यावतां भागवते परीक्षा' એટલે કે 'વિદ્વાનોની ભાગવતમાં પરીક્ષા થાય છે.', આ કહેવત યાદ કરતા જણાવે છે કે વર્ષ ૨૦૧૭માં પી.એચડી.ની પ્રવેશ પરીક્ષા ઉતીર્ણ કરી, ત્યારથી લઈને પી.એચડી.ની ડિગ્રી મળવા સુધી સાડા ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ સમયગાળા દરમિયાન શ્રીમદ્ ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણના અદ્યયનમાં કસોટી નથી થઈ, પરંતુ પુરાણોમાં રુચિ હોવાથી તેનો અભ્યાસ સરળ અને સહજ લાગ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ચાર ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે ડો. સાહેરાબાનુ પોતાના શિક્ષણ વિશે વાત કરે છે કે નાનપણમાં માતા પાસેથી પાસેથી અરબી ભાષાના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો ત્યારથી ઉપદેશાત્મક કથાઓ વાંચવી ગમતી. ધીરે-ધીરે સંસ્કૃત અને પુરાણો વિશે જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થતાં વિવિધ ગ્રંથોના શ્લોકો કંઠસ્થ કર્યા. શાળાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ આર. ઓ. પટેલ કોલેજમાં સંસ્કૃત સાથે બી.એ. કરવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ એમ.એ. તથા એમ.ફીલ. કર્યું. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ચાર ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડ હોય કે કોલેજમાં અભ્યાસની વાત હોય, દર વખતે ફી ભરવા માટે પિતાએ સંઘર્ષ કરવો પડતો અને હપ્તાથી ફી ભરવી પડતી. આવા કપરા સંજોગો વચ્ચે પણ પરિવાર તરફથી અભ્યાસ માટે પ્રોત્સાહન મળતું રહેતું હતું. વ્યક્તિ જીવનમાં ઉચ્ચ મૂલ્યોને આત્મસાત કરી લે તો જીવન ઉત્કર્ષના પંથે આગળ વધે શ્રીમદ્ ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણને માનવીય મૂલ્યો સાથે સાંકળતા ડો. સાહેરાબાનુ જણાવે છે કે વિષ્ણુ પુરાણમાં શ્રીવિષ્ણુ ભગવાનના ચરિત્રનું તાદૃશ્ય વર્ણન છે. જ્યારે શ્રીવિષ્ણુ ભગવાનના ચરિત્રનું વિસ્તૃત વર્ણન શ્રીમદ્ ભાગવત પુરાણમાં છે. આ બંને ગ્રંથોમાં શ્રીવિષ્ણુ ભગવાનના ચરિત્રના વર્ણન સાથે અહિંસા, સત્ય, દયા, પરોપકાર, સહિષ્ણુતા જેવા માનવીય મૂલ્યોને બખૂબી વણી લેવામાં આવ્યા છે. જો વ્યક્તિ જીવનમાં આ તમામ ઉચ્ચ મૂલ્યોને આત્મસાત કરી લે તો જીવન ઉત્કર્ષના પંથે આગળ વધે છે. આપણા પુરાણો સુંદર ઉપદેશોથી સમૃદ્ધ છે વિષ્ણુ પુરાણના આરંભમાં કહેવાયું છે કે કોઈપણ જીવની મન, વચન અને કર્મથી હિંસા ન કરવી જોઈએ. આપણા પુરાણો આવા સુંદર ઉપદેશોથી સમૃદ્ધ છે. આપણા દેશની સંસ્કૃતિ અને આપણા પ્રાચીન પુરાણો કોઈ એક ધર્મના મોહતાજ નથી પરંતુ માનવતાના મૂલ્યોનો બોધપાઠ આપે છે. માનવજાત ગ્રંથોમાં આપેલા સંદેશને અનુસરે તો યુદ્ધ કે આતંકવાદનું કોઈ સ્થાન ન રહેતા વિશ્વમાં શાંતિ, સોહાર્દ અને ભાઈચારાનું વાતાવરણ પ્રવર્તી શકે છે, તેમ ડો. સાહેરાબાનુએએ ઉમેરે છે. તમામ ધર્મના પુરાણોમાં માનવતાને ખરો ધર્મ માનવામાં આવ્યો છે ડો. સાહેરાબાનુ વિવિધ ગ્રંથોના અભ્યાસ અંગે જણાવે છે કે પી.એચડી. માટે શ્રીમદ્ ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણની ગીતા પ્રેસની આવૃત્તિ ઉપરાંત શ્રીમદ્ ભાગવત પુરાણની અમદાવાદમાં પ્રકાશિત થયેલી આવૃત્તિ તથા વિષ્ણુ પુરાણની વડોદરાથી મંગાવેલી આવૃત્તિનું અદ્યયન કર્યું છે. અરબી ભાષામાં કુરાન શરીફ સહિતના ઇસ્લામ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો હોય કે મુસ્લિમ ધર્મના ગ્રંથો હોય, તમામ પુરાણોમાં હિંસાની નિંદા કરવામાં આવી છે. તેમજ માનવતાને ખરો ધર્મ માનવામાં આવ્યો છે. વિવિધ ગ્રંથોમાં વર્ણવેલા અનેક પાત્રો પણ અંતે તો માનવીય મૂલ્યોને વળગીને જીવન જીવતા શીખવાડે છે. 'સર્વ ધર્મ સમભાવ'ની ભાવનાને વળગીને જીવવું જોઈએ ડો. સાહેરાબાનુની દૃષ્ટિએ જાતિ, લિંગ, ભાષા, સંસ્કૃતિ, ઊંચનીચના ભેદભાવ વિના માનવતાના ગુણને ધ્યાનમાં રાખીને જીવવું, એ પરમ ધર્મ છે. તેઓ મહિલાઓને સંદેશો આપતા કહે છે કે સ્ત્રી ધારે તે કરી શકે છે. કંઇક કરી બતાવવા માટે કોઈપણ સંપ્રદાય કે જ્ઞાતિના વાડા નડતરરૂપ બનતા નથી. મહિલાઓ વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરે, તો સ્વાવલંબી બની સન્માનપૂર્વક જીવી શકશે. પ્રવર્તમાન સમયમાં દેશમાં ક્યારેક ધાર્મિક કટ્ટરતા, કોમી વૈમનસ્ય જોવા મળે છે. જેનું મૂળ શિક્ષણનો અભાવ હોવાનું જણાવી ડો. સાહેરાબાનુ દરેક વ્યક્તિએ શિક્ષણ પ્રાપ્ત કરવા પર વિશેષ ભાર મૂકી અંધવિશ્વાસ અને જડતાથી દૂર રહેવા તથા 'સર્વ ધર્મ સમભાવ'ની ભાવનાને વળગી રહેવા મોરબીવાસીઓને અપીલ કરે છે. લોકોને પ્રાચીન સંસ્કૃતિ તરફ વાળવા નવી પેઢીને સંસ્કૃત ભાષાનું શિક્ષણ વિનામૂલ્યે આપવાની ઈચ્છા છે ડો. સાહેરાબાનુ પી.એચડી.ની પદવી મેળવ્યા બાદ જી.પી.એસ.સી.ની સરકારી પરીક્ષા ઉતીર્ણ કરી...