રઘુવંશી સમાજના કોઈપણ પરિવારમાં સ્વજનના મૃત્યુ સમયે જરૂરિયાત મુજબ ભોજન માટે પ્રસાદ તેમના ઘરે પહોંચાડાશે મોરબી : મોરબીમાં વસતા રઘુવંશી સમાજ માટે શ્રદ્ધાંજલિ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં રઘુવંશી સમાજના કોઈપણ પરિવાર સ્વજનના મૃત્યુ વખતે એ પરિવારજનો અને તેમના સગા સ્નેહીઓના ભોજન માટે પ્રસાદ તેમના ઘરે પહોંચાડાશે. મોરબીના રઘુવંશી સમાજ માટે શ્રદ્ધાંજલિ સેવાનો હેતુ એ છે કે, મોરબીમાં રહેતા રઘુવંશી સમાજના પરિવારના કોઈપણ સ્વજન અકસ્માતે કે, કુદરતી રીતે મૃત્યુ પામે તો આ દુઃખની ઘડીમાં એ પરિવાર આઘાતમાં હોય ત્યારે પોતાના માટે અને ઘરે આવેલા સગા સ્નેહીઓ અને પરિચિતો માટે ભોજન કેવી રીતે બનાવવું એ મોટી દ્વિધા હોય છે. આથી આવી દુઃખની ઘડીમાં રઘુવંશી સમાજના સેવાભાવી યુવાનો મદદે આવ્યા છે. જેમાં શ્રધાંજલિ સેવા નામે જલારામ બાપાનો પ્રસાદ પહોંચાડવાનું સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કોઈ સ્વજન ફાની દુનિયા છોડી જાય ત્યારે એ પરિવારનું દુઃખ તો ઓછું કરી શકતા નથી. પણ દુઃખમાં સહભાગી બનાવવા માટે આ એક નાનકડો પ્રયાસ છે. જેમાં રોટલી, દાળ, ભાત, છાસ, રોટલા, ખીચડી, કઢી સહિતનો પ્રસાદ સમાજનાએ શોકગ્રસ્ત પરિવારના જરૂરિયાત મુજબ ઘરે પહોંચાડવામાં આવશે. આ માટે 9727499997 અને 9727499998 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.