દરેકના ઘરે અમેરિકન મકાઈ ખવાતી હશે. ખાવામાં હેલ્ધી આ મકાઈ આપણે મોટેભાગે બાફીને ખાઈએ છીએ. અમેરિકન મકાઇમાંથી તમે અનેક વાનગીઓ બનાવી શકો છો. મકાઇમાંથી અનેક વાનગીઓ એવી બને છે જે ચોમાસામાં ખાવાની મજા આવી જાય છે. તો આજે અમે તમને એક મસ્ત વાનગી શીખવાડીશું. જે મકાઇમાંથી ફટાફટ ઘરે બની જાય છે. આ વાનગી ખાવાની તમને બહુ જ મજા આવશે. વરસાદી વાતાવરણમાં મકાઇમાંથી બનતી વાનગીઓ ખાવાની બહુ જ મજા આવે છે. તો આજે તમે પણ ઘરે બનાવો કોર્ન રોલ્સ. જાણી લો રેસીપી. સામગ્રી:- 5 અમેરિકન મકાઇ 14 બ્રેડ સ્લાઇસ છીણલું નારિયેળ લીલા મરચા ઝીણી સમારેલી ડુંગળી ઝીણાં સમારેલા ટામેટાં ગરમ મસાલો મીઠું કોથમીર ચાટ મસાલો લાલ મરચું બનાવવાની રીત:- કોર્ન રોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ મકાઇને છોલીને એની બે પાણીથી ચોખ્ખી ધોઇ લો. હવે આ મકાઇને કુકરમાં બાફી લો. કુકરમાં બાફતી વખતે ચપટી મીઠું અને હળદર ખાસ નાંખજો જેથી કરીને મકાઇ મીઠી લાગે. જો તમે મીઠું અને હળદર નાંખતા નથી તો મકાઇ સ્વાદમાં ફિક્કી લાગશે. હવે ટામેટા, ડુંગળી અને લીલા મરચાને ઝીણાં સમારી લો. હવે બાફેલી મકાઇને અધકચરી પીસી લો. અધકચરી બાફેલી મકાઇને હવે એક બાઉલમાં લઇ લો. ત્યારબાદ આ મકાઇમાં મીઠું, ચપટી લાલ મરચુ, કોથમીર, ચાટ મસાલો, ગરમ મસાલો, મીઠું અને છીણેલું નારિયેળ નાંખીને આમાં બરાબર મિક્સ કરી લો. હવે બ્રેડ લો અને એમાંથી ચારેબાજુની કિનારી કટ કરી લો. પછી બ્રેડની સ્લાઇસને પાણીમાં બોળીને એને બે હાથેથી હળવા હાથે બરાબર દબાવી લો. હવે આ સ્લાઇસ પર મસાલો ભરો અને પછી રોલ કરો. આ બધી પ્રોસેસ થઇ જાય પછી એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. આ તમારે ફાસ્ટ ગેસે તળવાનું રહેશે. ભૂલથી પણ ગેસ ધીમો કરતા નહિં. તેલ ગરમ થઇ જાય એટલે એમાં બનાવેલો રોલ આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. તો તૈયાર છે કોર્ન રોલ્સ.