મોરબીઃ મોરબીનું જૂનું બસ સ્ટેશનનું હજુ હમણાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ બસ સ્ટેશનના દ્રશ્યો જોતાં કોઈને પણ ન લાગે કે આ બસ સ્ટેશનનું નવીનીકરણ તાજેતરમાં થયું હશે. કેમ કે અણધડ વહીવટના કારણે બસ સ્ટેશનમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો મોરબી બસ સ્ટેશનમાં આવન-જાવન કરે છે. પરંતુ બસ સ્ટેશનના આડેધડ વહીવટના કારણે રેઢું રાજ હોય તેમ કોઈપણ પ્રકારનું મેનેજમેન્ટ જોવા નથી મળી રહ્યું. ધોળા દિવસે જરૂર વગર લાઈટો ચાલુ રાખવામાં આવે છે અને જેની જરૂર છે તેવા પંખા બંધ હાલતમાં હોય છે. બસ સ્ટેશનમાં ગંદકીના કારણે માખીઓનો ત્રાસ પણ વધી ગયો છે. પ્લેટફોર્મ પર નજર કરો તો રખડતાં ઢોરનો અડીંગો જામેલો હોય છે. ઢેર ઢેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાન-માવાની પિચકારીઓથી દિવલો પણ લાલ થઈ ગઈ છે. તંત્ર જાણે ઉંઘમાં હોય તેમ કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. પુછપરછ બારી પણ બંધ છે અને ઈન્કવાયરી ટોલ ફ્રી નંબર સતત એંગેજ આવે છે. તંત્રના આ આડેધડ વહીવટનો ભોગ હાલ મુસાફરો બની રહ્યા છે.