પડધરી નજીક ગેસના ટેન્કરોમાંથી મોટાપાયે ગેસની ચોરી થતી હોવાની ટીપ મળતા સ્ટેટ મોનીટરીંગની ટીમ ત્રાટકી, ગેસ ચોરીનું કૌભાંડ પકડી કુલ રૂ.૪૯,૪૬,૧૭૦ નો મુદ્દામાલ એકની ધરપકડ મોરબી : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગઈકાલે મોરબીના રાજપર રોડ ઉપર ઈંગ્લીશ દારૂની મોટી રેઇડ પાડ્યા બાદ હવે ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી લેવા મેદાને આવી હતી. જેમાં પડધરી નજીક જામનગર રાજકોટ હાઇવે ઉપર આવતા જતા ગેસના ટેન્કરોમાંથી ડ્રાઇવરની મદદથી મોટાપાયે ગેસની ચોરી કરાતી હોવાની ટીપના આધારે સ્ટેટ મોનીટરીંગની ટીમ ત્રાટકી હતી અને ગેસ ચોરીનું કૌભાંડ પકડી કુલ રૂ.૪૯,૪૬,૧૭૦ નો મુદ્દામાલ એકની ધરપકડ કરી હતી. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશીષ ભાટિયા તથા નીરજા ગોટરુ, IPS, અધિક પોલીસ મહાનિદેશકસ્ટેટ મોનીટરીંગ સેલ તથા નિર્લિપ્ત રાય, IPS, પોલીસ અધિક્ષક સ્ટેટ મોનીટરીંગ સેલ નાઓએ આપેલ સુચના આધારે કે.ટી.કામરીયા,નાયબ પોલીસ અધિક્ષક સ્ટેટ મોનીટરીંગ સેલના માર્ગદર્શન હેઠળ, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને બાતમી હકિકત મળેલ કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપર રંગપર ગામના પાટિયાની સામેના ભાગે, જવાહર નવોદય વિદ્યાલયની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં દિનેશભાઇ સવાભાઇ ખાંભરા રહે.રાજકોટ શહેરનાઓ પોતાના મળતીયા માણસો સાથે રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા-જતા ગેસના ટેન્કરના ડ્રાઇવરોનો પોતાના માણસો મારફતે સંપર્ક કરી-કરાવી ડ્રાઇવરોને ઉપરોક્ત ખુલ્લી જગ્યામાં ટેન્કર સાથે લઈ જઈ ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. ગેસ ચોરીની આ ટીપના આધારે જામનગર રાજકોટ હાઇવે,રંગપર ગામના પાટિયા સામેના ભાગે,જવાહર નવોદય વિદ્યાલયની પાછળના ભાગેથી ઉપરોક્ત બાતમી મુજબ ગેસ ભરેલ ટેન્કરના ડ્રાયવરો સાથે તેમજ ગેસની ચોરી કરનાર દિનેશભાઇ સવાભાઇ ખાંભરા નામના ઈસમ સાથે ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરતા પકડી પાડી, આઇસર કંપનીનું ગેસ ભરેલ ટેન્કર કિં.રૂ.૪,૧૫૦,૮૦૦ તથા ગેસ ભરવા માટેના સીલીન્ડર નંગ ૨૪ કિ.રૂ. ૪૮,૦૦૦/ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪૯,૪૬,૧૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી, ઉપરોક્ત ગેસની ચોરી કરનાર મુખ્ય આરોપી દિનેશભાઇ સવાભાઇ ખાંભરા તેમજ અન્ય ૦૭ આરોપીઓ વિરૂધ્ધ,રાજકોટ ગ્રામ્યનાં પડધરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે સોંપેલ છે. જો કે હજુ પોલીસની તપાસમાં આ ગેસ ચોરીમાં અનેકના નામો બહાર આવવાની શક્યતા છે.