વાંકાનેર વિશિપરામાં સરકારી જગ્યા ઉપર મકાન અને તબેલો બનાવનાર વિરુદ્ધ કાયદાનું શસ્ત્ર ઉગામાયું વાંકાનેર : સરકારી જમીનને પોતાના પૂર્વજોની મિલકત સમજી કબજા કરનાર લોકો માટે લાલબત્તી સમાન કિસ્સામાં વાંકાનેર મામલતદાર કચેરી દ્વારા ખરાબાની જગ્યામાં તબેલો અને રહેણાંક મકાન બનાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વિશિપરામાં સરકારી ખરાબાની જગ્યામાં કબ્જો કરી બે પાકા મકાન તથા તબેલો અને અન્ય દબાણ કરનાર ત્રણ ઈસમો વિરુદ્ધ વાંકાનેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી ઉતમકુમાર વિનયભાઈ કાનાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. વધુમાં આ કિસ્સામાં વાંકાનેર ગામતળના સરકારી ખરાબામા સવૅ નંબર 203માં ચંપાબેન લાખાભાઈ તેજાભાઈ માલકીયાએ દુકાન મકાન અને તબેલો, નાનજીભાઈ તેજાભાઈ માલકીયાએ પાકું મકાન અને રામજીભાઈ તેજાભાઈ માલકીયાએ પણ પાકું મકાન બનાવી લેતા વાંકાનેર મામલતદાર કચેરીના કર્મચારી દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.