નાના બાળકો દરરોજ અવનવી વાનગીઓ ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે. દરરોજ એકને એક વસ્તુ ખવડાવવાથી બાળકો ભોજનથી મોં પણ ફેરવી લેતાં હોય છે. ત્યારે માતા-પિતાને પણ થાય કે દરરોજ બાળકોને નવું નવું શું ખવડાવવું. તમારી આ સમસ્યાનું સમાધાન આજે અમે લઈને આવ્યા છીએ એક મજેદાર રેસિપી સાથે. આ વાનગી ઘરે બનાવશો તો બાળકો હોંશે હોંશે ખાઈ લેશે અને રાજીના રેડ થઈ જશે. કેમ કે આ રેસિપીનું નામ જ છે સ્માઈલી.. તો આવો જાણીએ કેવી રીતે બનાવીશું સ્માઈલી.. સામગ્રીઃ એક કપ બાફેલા બટાકા, એક કપ મેંદો, ત્રણ મોટી ચમચી બ્રેડક્રબ, સોજી, ત્રણ મોટી ચમચી કોર્નસ્ટાર્ચ, મીઠું, કાળા મરી, સોસ, ચટણી, ચાટ મસાલો, તેલ.. બનાવવાની રીત : ઘરે સ્માઇલી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં બાફેલા બટાકા, સોજી, મેંદો, બ્રેડક્રંબ, કોર્નસ્ટાર્ચને સારી રીતે મિક્સ કરી લો. હવે ઉપરથી મીઠું, કાળા મરી મિક્સ કરીને મેશ કરીને લોટ બાંધી લો. પછી આના નાના-નાના ગુલ્લા કરીને પરાઠા વણી લો. પરાઠા વણાઇ જાય પછી એક નાની વાટકી અથવા તો બજારમાં અનેક પ્રકારના સ્માઇલી શેપના બીબા મળે છે એનાથી પણ તમે ગોળ-ગોળ કટ કરી શકો છો. હવે આમાંથી બધા જ સ્માઇલી તૈયાર કરી લો અને પછી એક કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે સ્માઇલીને તેલમાં એડ કરો અને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. હવે એક પ્લેટમાં કાઢીને ટિશ્યુ પેપર પર લઇ લો જેથી કરીને બધુ તેલ ચુસાઇ જાય. પછી ઉપરથી ચાટ મસાલો અને કાળા મરીનો પાઉડર નાંખો. તો તૈયાર છે ટેસ્ટી-ટેસ્ટી સ્માઇલી.. આ સ્માઇલીને તમે સોસ કે ચટણી સાથે ખાઓ છો તો બહુ જ મજા આવે છે. તો આ રીતે તમે પણ ઘરે બાળક માટે બનાવો અને બાળકને ખુશ કરી દો. આ સ્માઇલી બાળક ફટાફટ ખાવા લાગશે અને તમને હેરાન પણ નહિં કરે.