૩.૧૬ લાખ પાણીના પાત્રોની તપાસ કરી ૬.૫ હજારથી વધુ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયોનો દાવો કોઈ વિસ્તરમાં રોગચાળો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમના નં. ૦૨૮૨૨-૨૯૯૧૧૭ અથવા ૦૨૮૨૨-૨૯૯૧૧૫ પર મદદ મળશે મોરબી : સમગ્ર ગુજરાત સાથે મોરબી જિલ્લામાં પણ સર્વત્ર મેઘ મહેર થઈ છે. જિલ્લામાં વરસાદી માહોલ પછી રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ રોગચાળા અટકાયતની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. વરસાદી માહોલમાં માખી-મચ્છર જન્ય રોગો વધારે પ્રમાણમાં ફેલાય છે. મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે મચ્છરના પોરાનાશક કામગીરી અંતર્ગત ૩,૧૬,૯૫૭ પાણીના પાત્રોની તપાસ કરવામાં આવી છે. જે પૈકી ૧,૦૮૦ પાત્રોમાં પોરા જોવા મળતા તેમનો એબેટ પદ્ધતિથી નાશ કરવામાં આવ્યા અને ઘરની બહારના ૫,૫૯૯ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયોનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ સર્વેલન્સ કામગીરી દરમ્યાન ૭૯૪ પાણીના સેમ્પલ લઇ ક્લોરીનની માત્રાની તપાસણી કરવામાં આવી હતી. ઉપરાંત સર્વેલન્સ દરમ્યાન ૩૪ ઝાડાના કેસ મળી આવતા સ્થળ પર સારવાર આપવામાં આવી છે. સર્વે દરમિયાન ૧૬,૦૦૦ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને હાલ પાણીજન્ય રોગચાળો જેવો કે કોલેરા, મરડો, ટાઈફોઈડ, ઝાડા-ઉલ્ટી, કમળો જેવા રોગ ફેલાવવાની સંભાવનાઓ વધી જાય છે. આ તમામ રોગના અટકાયતી પગલાનાં ભાગરૂપે પાણીમાં કલોરીનેશનનું પ્રમાણ માપવું જરૂરી બની જાય છે. જેથી આરોગય વિભાગ દ્વારા ક્લોરીનનું પ્રમાણ માપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં યોગ્ય માત્રામાં ક્લોરીન વાળું પાણી ન જણાય ત્યાં ક્લોરીન ટેબલેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જિલ્લાના કોઈપણ વિસ્તારમાં રોગચાળો જણાય તો તે અંગેના સંદેશાઓની આપ-લે માટે આરોગ્ય વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે જનાતાને વર્ષાઋતુ કંટ્રોલ રૂમના નં.૦૨૮૨૨-૨૯૯૧૧૭ અથવા ૦૨૮૨૨-૨૯૯૧૧૫ પર સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા દ્વારા જણાવાયું છે.