મોરબીની ધરમપુર, માળીયાની હરિપર, વાંકાનેરની પીપળીયા રાજ ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતા આ ત્રણેય ગ્રામ પંચાયતનું વિસર્જન કરી વહીવટીદાર નિમાયા મોરબી : મોરબી જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતને સુપરસિડ જાહેર કરવામાં આવી છે. જેમાં મોરબીની ધરમપુર, માળીયાની હરિપર, વાંકાનેરની પીપળીયા રાજ ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતા આ ત્રણેય ગ્રામ પંચાયતનું વિસર્જન કરી વહીવટીદાર નિમાયા છે. મોરબી જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતમાં મોરબીની ધરમપુર, માળીયાની હરિપર, વાંકાનેરની પીપળીયા રાજ ગ્રામ પંચાયતને વર્ષ 2022-23માં ચાર વખત તક આપવા છતાં આ ત્રણેય ગ્રામ પંચાયત નાણકીય બજેટ મંજુર કરાવી શકી ન હતી. આથી તાજેતરમાં મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ ત્રણેય ગ્રામ પંચાયતને સુપરસિડ જાહેર કરવા માટેની દરખાસ્ત કરી આ દરખાસ્ત સાથેનો અભિપ્રાય રાજ્યના વિકાસ કમિશનરને મોકલવામાં આવ્યો હતો. વિકાસ કમિશનરે આ અભિપ્રાયને ધ્યાને લઈને સરપંચ સહિત 9 સદસ્યો સાથેની મોરબીની ધરમપુર ગ્રામ પંચાયત તેમજ સરપંચ સહિત 9 સદસ્યો સાથેની માળીયા તાલુકાની હરિપર ગ્રામ પંચાયત અને સરપંચ સહિત 11 સભ્યો સાથેની વાંકાનેરની પીપળીયા રાજ ગ્રામ પંચાયતને વિસર્જન કરવાનો આદેશ આપ્યો હતો. આથી આ ત્રણેય ગ્રામ પંચાયતને સુપરસિડ કરી ત્યાં વહીવટીદારની નિમણૂક કરવામાં આવી છે. તેવું ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલે જણાવ્યું હતું.