શહીદ જવાનના પરિવાર પાસેથી પુત્રના શહાદતની વાત સાંભળી મારુ હૃદય દ્રવી ઉઠ્યું : અજય લોરિયા હજી તો 15 દિવસના પુત્રનું મોઢું પણ ના જોયું ને યુવાન દેશની રક્ષા માટે શહીદ થઈ ગયો મોરબી : દેશના શહીદ થયેલા પરીવારજનોને રૂબરૂ સહાય આપવા ગયેલા મોરબીના અગ્રણી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ જ્યારે જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના બટાલા તાલુકાના ચઠા ગામના મનદીપસિંહના પરિવારને રૂબરૂ સહાય આપવા ગયા ત્યારે આ પરિવારની આપવીતી સાંભળી અજય લોરીયાની આંખમાં આંસુ આવી ગયા હતા. અજય લોરિયાએ આ અંગે જણાવ્યું હતું કે એક બાળક કે જેને ધરતી પર પગ મુક્યાને માંડ 15 દિવસ થયા છે અને હજી એને એના પિતાનું મોઢું પણ નથી જોયું અને કોઈ પણ બાપ ગમે તે જગ્યાએ નોકરીએ હોય પણ જ્યારે તેના ઘરે પુત્ર કે પુત્રી અવતરે ત્યારે તેનો ભોળો ચહેરો જોવાની એની સાથે રમવાની અને એની સાથે વાતું કરવાની ઈચ્છા હોય અને ગમે તેવું કામ મૂકી ને તે તેની પાસે દોડી આવે ત્યારે દુઃખની વાત તો એ છે કે પિતા મનદીપસિંહે 15 દિવસના પુત્રનું મોઢુ પણ નહોતું જોયું અને બીજો પુત્ર પણ હજી પપ્પા સાથે રમવા માટે તડપડતો હોય ત્યારે જ એ યુવાન શહીદ થાય ત્યારે ભલભલા કઠણ કાળજાના માનવીનું હૃદય દ્રવી ઉઠે ત્યારે આ આપવીતી સાંભળી મારી પાસે બોલવા કોઈ શબ્દ જ ન રહ્યા, હું કેવી રીતે એને સાંત્વના આપું એ જ સમજાયું નહીં. અજય લોરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આવા દેશભક્ત પરિવારને મળી તેમને 1,25,000 ની સહાય અર્પણ કરી હું ધન્ય થયો. આ સહાય તો એને શહાદત સામે ફૂટી કોડીની પણ નથી. આ ઉપરાંત અજય લોરિયા સહિતના મોરબીના યુવાનોની ટીમ દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના કપૂરથલા તાલુકાના મનાતલવંડી ગામના શ્રી જસવિંદરસિંઘના પરિવારને મળીને સ્મૃતિ ચિન્હથી સન્માનિત કરીને મોરબીના રાષ્ટ્રભક્તોએ એ આપેલ ફંડ માંથી 1,21,000(એક લાખનો ચેક અને 21 હજાર રોકડા) તેમજ આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના આનંદપુર સાઇબ તાલુકાના પચરંડા ગામના શ્રી ગજ્જન સિંધના પરિવારને મળીને સ્મૃતિ ચિન્હથી સન્માનિત કરીને મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડ માંથી 1,00,000(એક લાખ) અર્પણ કરીને માં ભારતી નું ઋણ ચૂકવવાના પ્રયાસ કરાયો હતો.