140 જેટલા સ્થળોએ 5 હજાર જેટલા ડોઝનું વેકસીનેશન કરાશે મોરબી : સમગ્ર દેશ સહિત આજે મોરબી જિલ્લામાં વિનામૂલ્યે 18થી60 વર્ષના લોકોને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે 140 જેટલા સ્થળોએ 5 હજાર જેટલા ડોઝનું વેકસીનેશન કરાશે. જો કે, પ્રિકોશન ડોઝ પહેલા પેઇડ હતો પણ હવે સરકાર દ્વારા પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની કામગીરી શરૂ કરાઇ છે. મોરબી જિલ્લામાં આજથી વિનામૂલ્યે 18થી60 વર્ષના લોકોને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી શરૂ કરાતા જિલ્લાના મુખ્ય મથક ગણાતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં લોકો આ ડોઝ લેવા ઉમટી પડ્યા હતા અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા અનેક લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. મોરબી જિલ્લામાં પાંચ લાખ જેટલા લોકો પ્રિકોશન ડોઝ મુકાવા માટે નોંધાયા છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના 8.73 લાખ લોકોએ પ્રથમ ડોઝ અને 8 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે. ત્યારે આ ત્રીજો ડોઝ એટલે પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય એવા લોકો માટે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સરકાર દ્વારા પેઇડ રહેલા આ ડોઝને વિનામૂલ્યે કરી નાખવામાં આવ્યો છે અને જિલ્લામાં 140 સ્થળોએ 5 હજાર જેટલા આ ડોઝ આપવામાં આવશે.