સ્થાનિક ઉધોગકારો અને ગ્રામજનોએ અણિયારી ચોકડીથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું જેતપર પીપળી રોડને તાકીદે રીપેરીંગ કરવા અંગે બ્રિજેશ મેરજાએ તંત્રને કડક આદેશો આપ્યા : કલેકટર દ્વારા પણ જેતપર રોડના રીપેરીંગની કામગીરી ચાલુ હોવાની અને તાકીદે આ કામગીરી પૂર્ણ કરવાની ખાત્રી આપી મોરબી : મોરબીનો સીરામીક ઝોન ગણાતો જેતપર પીપળી રોડની હાલ વરસાદમાં એટલી હદે બદતર હાલત થઈ ગઈ છે કે આ રોડ ઉપરથી હેમખેમ પસાર થવું ખૂબ જ કઠિન બન્યું છે. રોડની આવી ખરાબ હાલત હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા અંતે સ્થાનિક ઉધોગકારો અને ગ્રામજનો આ રોડના રીપેરીંગ માટે તંત્ર સામે લડાયક મિજાજ દર્શાવ્યો છે અને આજે મોરબીના જેતપર-પીપળી રોડની બદતર હાલત મામલે રોષપૂર્ણ રેલી કાઢી હતી. મોરબીનો જેતપર-પીપળી રોડ ઉપર મોટી સંખ્યામાં સીરામીક એકમો હોવાથી આ રોડની સીરામીક ઝોન તરીકે ગણના થાય છે. પણ આજુબાજુ ગ્રામજનો અને સ્થાનિક ઉધોગકારોને તંત્ર આ જેતપર પીપળી રોડને સારા રોડની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયું છે. આ રોડની હાલત અગાઉથી ખરાબ હતી. હવે સતત વરસાદથી આ રોડની પથારી ફરી ગઈ છે. હજારો વાહનોની અવરજવર ધરાવતો આ માર્ગમાં એટલી હદે ખાડા પડયા છે કે, ખરેખર રોડમાં ખાડા પડયા છે કે ખાડામાં રોડ છે ? તેવી કપરી હાલત છે. ખાડાને કારણે અકસ્માત તેમજ ટ્રાફિકજામ થાય છે. આથી તંત્રને ઢંઢોળવા માટે આજે સવારે નવ વાગ્યે અણિયારી ચીકડીથી મોરબીના સામાકાંઠે આવેલી જિલ્લા કલેકટર કચેરી સુધી સ્થાનિક ઉધોગકારો તેમજ ઘાટીલા, વેજલપર, ચકમપર, જીવાપર, રાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળી સહિતના આજુબાજુના ગામોના સરપંચ તેમજ ગ્રામજનો રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. રેલી દરમિયાન જેતપર પીપળી રોડ ઉપર ફૂટ ફૂટ ખાડા પડયા હોય અકસ્માતથી કેમ બચવું તંત્ર હવે જાગે તેવા સૂત્રોચ્ચાર સાથે સ્થાનિક ઉધોગકારો અને ગ્રામજનોએ દેખાવો કર્યા હતા અને કલેકટર સમક્ષ જેતપર પીપળી રોડ ઉપર ખાલી થુંકના સાંધા નહિ પણ વરસાદમાં ટકે એવી મજબુત રીતે ઠેરઠેર પહેલા ગાબડાનું રીપેરીંગ કરવાની માંગ કરી હતી અને કલેકટર જે.બી.પટેલે પણ આ રોડનું યોગ્ય મરમત કરવાની ખાતરી આપી હતી. જો કે, સ્થાનિક ઉધોગકારો અને ગ્રામજનોને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલે, કોંગી અગ્રણી કેડી બાવરવા, મુકેશ ગામી, મનોજભાઈ પનારા સહિતનાએ ટેકો આપી કલેકટરને રજુઆત કરી હતી. આ રેલીમાં જેતપર રોડ ઉપર સીરામીક એકમો ધરાવતા ઉધોગકારો સંદીપભાઈ કાલરીયા, હરેશભાઈ કૈલા, રવિભાઈ કાલરીયા, ભરતભાઇ અને અરવિંદભાઈ સહિતના ઉધોગકારો જોડાઈને રોડની હાલત સુધરવાની માંગ કરી હતી. જોકે જેતપર પીપળી રોડને તાકીદે રીપેરીંગ કરવા અંગે બ્રિજેશ મેરજાએ તંત્રને કડક આદેશો આપ્યા પણ આપ્યા છે. અને આજની રજૂઆત અંગે કલેકટર દ્વારા પણ તાકીદે જેતપર રોડના રીપેરીંગ કરવાની ખાતરી આપી ગ્રામજનોનો રોષ શાંત પાડ્યો હતો.