પાણી ભરાવવાના કારણે ગામના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ફરી ફરીને જવું પડતું હોવાથી અને ભારે હાલાકીના કારણે ગ્રામજનોએ ચક્કાજામ કરી આક્રોશ વ્યક્ત કર્યો મોરબી : મોરબીના મકનસર ગામ પાસે નેશનલ હાઇવેનો સર્વિસ રોડ હાલ વરસાદમાં એટલી હદે ધોવાઈ ગયો છે કે, વિદ્યાર્થીઓ અને ગામલોકોને ફરી ફરીને જવું પડતું હોવા છતાં હાઇવે ઓથોરિટી તંત્રની ઉંઘ ઉડી ન હોવાથી આજે ગ્રામજનો વિફર્યા હતા અને આ મામલે મકનસર ગામ પાસે લોકોએ ચક્કાજામ કરીને આક્રોશ વ્યક્ત કરી આ સમસ્યા ઉકેલવાની માંગ કરી હતી. મોરબીના મકનસર ગામના લોકોના જણાવ્યા મુજબ મકનસર પાસે આવેલ એક્સલ સીરામીક નજીક નેશનલ હાઇવેનો સર્વિસ રોડ હાલ વરસાદમાં બેટમાં ફેરવાયો હોય એટલી હદે પાણી ભરાયા છે. વરસાદી પાણી સતત ભરાઈ રહેવાથી સર્વિસ રોડ ધોવાઇ ગયો અને રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે. ખાડામાં પાણી ભરાઈ રહેવાથી દૂરથી ખાડો ન દેખાતા વાહન ચાલકો પાણી ભરેલા ખાડામાં ખાબકે છે. સર્વિસ રોડ મકનસર તરફ જવાનો માર્ગ હોય ગામલોકોને ભારે હાલાકી પડે છે. ખાડાથી બચવા લોકો રોગ સાઈડમાં જાય તો ટ્રાફિક પોલીસ દંડ કરે છે. પાણી ભરેલા ખાડામાં દરરોજ અનેક વાહન ચાલકો ખાબકે છે તેથી નાની મોટી ઇજા પહોંચે છે. આથી ત્યાંથી નીકળી શકતા ન હોય વિદ્યાર્થીઓ તેમજ ગમલોકોને ફરી ફરીને જવું પડે છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાથી કંટાળીને લોકોએ મકનસર ગામ પાસે ચક્કાજામ કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી.