મોરબીમાં એસડીઆરએફની એક ટુકડીનું આગમન : ફડસર ગામની ચારેબાજુ પાણી ભરાતા ગામલોકો ફસાયા : સરપંચ દ્વારા મામલતદાર કે ડિઝાસ્ટર મેન્જમેન્ટને જાણ ન કરાઈ મોરબી : મોરબી પંથકમાં ગતરાત્રીથી મેઘરાજાએ સટાસટી બોલાવી અપાર હેત વરસાવતા આમરણ ચોવીસી પંથકમાં સતત વરસાદને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને મોરબીના ફડસર ગામ ફરતે પાણીએ આંટો મારી લેતા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હોવાનો અહેવાલ મળ્યો છે.બીજી તરફ પરિસ્થતીની જાણ તાલુકા મામલતદારને થતા તાબડતોબ આરોગ્ય વિભાગ સહિતની ટીમને એલર્ટ કરવામાં આવી છે. મોરબી પંથકમાં ગતરાત્રીના એકધારો વરસાદ વરસતા આમરણ પંથકના ફડસર ગામમાં આફત ઉતરી આવી છે. ભારે વરસાદને પગલે ફડસર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ગામની ચારેબાજુ પાણી ભરાયા છે જેમાં ફડસર ગામેથી આમરણ, રાજપર, કુંતાસી, બેલા એમ ચારે બાજુના રસ્તા ઉપર પાણી ફરી વળતા ક્યાંય જઈ શકાય એમ ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. દરમિયાન મોરબી તાલુકાના ફડસર ગામની બેટ જેવી સ્થિતિ અંગે તાલુકા મામલતદાર વાકેફ થતાની સાથે જ આમરણ, રાજપર, કુંતાસી, બેલા ઉપરાંત હજનાળી સહિતના ગામોમાં આરોગ્ય વિભાગની ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખી પરિસ્થતિ ઉપર નજર રાખવામાં આવી રહી હોવાનું તાલુકા મામલતદાર નીખિલભાઈ મહેતાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. દરમિયાન મોરબી ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર નીખિલભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની એક ટુકડી મોરબી આવી પહોંચી છે અને હજુ સુધી મોરબી જિલ્લાના કોઈ ગામોમાં ચિંતાજનક સ્થિતિ નથી, જો કે ફડસર ગામની સ્થિતિ અંગે ગામના સરપંચ દ્વારા તંત્રને કોઈ જાણકારી ન આપવામાં આવી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.