મંદ બુદ્ધિ પ્રશિક્ષણ કેન્દ્રનો શુભારંભ થશે મોરબીઃ ખોખરા હનુમાન હરિહર ધામની પવિત્ર ભૂમિમાં બે દિવસીય ગુરૂ પૂર્ણિમા દિવ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તારીખ 12 અને 13 જુલાઈ એમ બે દિવસીય ગુરૂ પૂર્ણિમા દિવ્યોત્સવ ઉજવાશે તથા મંદ બુદ્ધિ પ્રશિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે. ગુરૂ પૂર્ણિમા નિમિત્તે સદગુરુ પ.પૂ કેશવાનંદ બાપુની ભજનભૂમિ ખોખરા હુમાન હરિહર ધામમાં પૂ. કેશવાનંદ બાપુના શિષ્યા મહામંડલેશ્વર પૂ. મા કનકેશ્વરી દેવીજીના સાનિધ્યમાં તારીખ 13 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમા દિવ્યોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 13 જુલાઈના રોજ ગુરૂ પૂજન, ગુરૂ મહિમા સત્સંગ, વૃક્ષારોપણ વગેરે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તારીખ 12 જુલાઈના રોજ રાત્રે 10 કલાકથી ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં નિરંજનભાઈ પંડ્યા તેમજ અનેક નામાંકિત કલાકારો ભજનની રમઝટ બોલાવશે. ગુરૂ પૂર્ણિમા દિવ્યોત્સવ પ્રસંગે મંદ બુદ્ધિ પ્રશિક્ષણ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવશે. આ કેન્દ્રમાં આશ્રમની વ્યવસ્થા મુજબ બાળકોને નિવાસ, ભોજન સહિત પ્રશિક્ષણ આપવામાં આવશે. પ્રતિવર્ષ મુજબ ગુરૂ પૂર્ણિમા પ્રસંગે પધારેલા તમામ ભક્તજનોને આશ્રમ તરફથી પુ. માના વરદ હસ્તે વૃક્ષ પ્રસાદ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. 13 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમાના પ્રસંગે બપોરે 12-30 કલાકે ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.