મોરબીની પથારી ફેરવી નાખતા કોન્ટ્રાકટરો : ચીફ ઓફિસરે નોટિસો ફટકારી સંતોષ માની લીધો પરંતુ પ્રજાની હાડમારીમાં ભાજપના શાસકો ચૂપ મોરબી : એ ગયા......, જો...જો...ધ્યાન રાખજો, આવા કીચડમાં જાવું કેમ ? મોરબીના લોકો ચોમાસુ શરૂ થતા જ રાત્રીના ઊંઘમાં પણ આગળ લખેલા શબ્દો જ મનમાં ને મનમાં કે જાગતા બોલી રહ્યા છે... ભાજપને બાવને બાવન સીટ સાથે પાલિકાનું સુકાન સોપનાર પ્રજાજનોને ઓણસાલ ભૂતકાળમાં ક્યારેય ન ભોગવી હોય તેવી હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે, અવની ચોકડી હોય, લાતીપ્લોટ હોય, શનાળા રોડ હોય કે પછી પંચાસર રોડ હોય ગઈકાલે રાત્રે ખાબકેલા પોણા પાંચ ઈંચ વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી છે ત્યારે હવે મોરબી પાલિકાના ભાજપના બાવને બાવન સભ્યો મેદાને આવે અને પ્રજાને હાલાકીમાંથી ઉગારે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ઔદ્યોગિક નગરી મોરબી શહેરમાં વિકાસની ગાડી પુરપાટ ઝડપે રીવર્સમાં ભાગવા લગતા લોકો અધોગતિ ભોગવી રહ્યા છે. શહેરની ઓળખ સમા નહેરુગેટમાં ગટરના પાણીમાં ધરાર ચાલવા મજબુર લોકોને ગારા કીચડ ખૂંદી રોજિંદી જરૂરિયાત એવા શાકભાજી ખરીદવા જોખમ ઉઠાવવું પડી રહ્યું છે, તો લાતીપ્લોટમાં ઉદ્યોગકારો અને વેપારીઓને ખાડામાં ખાબકી - ખાબકીને પોતાના વાહનોમાં નુકશાન સહન કરીને પોતાના કારખાને પહોંચવું પડી રહ્યું છે. બીજી તરફ શહેરના પોસ ગણાતા અવની ચોકડી વિસ્તારમાં વરસાદી પાણીમાં જીવન જોખમે લોકોને રસ્તો પસાર કરવો પડે છે તો પંચાસર રોડ ઉપર ગેરકાયદેસરના બાંધકામોએ વરસાદી પાણી નિકાલના માર્ગ અવરોધતા રોડ ઉપર પાણી-પાણી થઇ જતા ક્યાં ખાડો અને ક્યાં રસ્તો એ શોધવું અઘરું થઇ પડતા અનેક વાહનો ફસાયા હોવાનું બહાર આવ્યું છે . જો કે શહેરભરમાં માત્ર પોણાપાંચ ઈંચ વરસાદમાં જ પાલિકાની પોલ છતી થઇ જતા જ્યાં જ્યાં પાઇપલાઇનો નાખવામાં આવી છે ત્યાં યોગ્ય રીતે નિયમ મુજબ પુરાણ થયું ન હોવાથી ઠેર-ઠેર મસ મોટા ખાડા ભયાનક બનીને સામે આવ્યા છે. આ ગંભીર સ્થિતિમાં પાલિકાના 52પૈકી કોઈ સભ્યો પ્રજાની મદદ માટે હરફ સુધા ઉચ્ચારવા તૈયાર નથી ત્યારે ચીફ ઓફિસર પણ માત્ર ઓફિસમાં બેસી નોટિસ આપીને સંતોષ માની રહ્યા હોય મોરબીની જનતા રામભરોસે મુકાઈ છે અને આવામાં જો 10 ઈંચ કે તેથી વધુ વરસાદ થાય તો મોરબીની શું હાલત થાય તે ક્હેવું મુશ્કેલ હોવાનું લોકો વસવસા અને આક્રોશ સાથે જણાવી રહ્યા છે.