પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચ સુધી વરસાદ પડતાં નદી - નાળામાં પાણી વહેતા થયા હળવદ : હળવદ પંથકમાં મેઘરાજાએ હેત વરસાવતા બ્રાહ્મણી ડેમમાં ૧૩૫૧ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેને કારણે હાલ સુધીમાં ડેમમાં સાડા આઠ ફૂટ જેટલા નવા નીર આવ્યા છે. હળવદ પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨ થી ૪ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેને કારણે ઠેર ઠેર નદી - નાળામાં પાણી - પાણી થઈ ગયા છે. બીજી બાજુ મેઘરાજા શાંત મિજાજમાં વ્હાલ વરસાવી રહ્યા હોય ખેડૂતોમાં પણ ખુશીની લહેર ઉઠી ગઇ છે. વધુમાં બ્રાહ્મણી ડેમમાં વહેલી સવારે ૬૦૦૦ ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ હતી જે મોડી રાત્રે ઘટીને ૧૩૫૧ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ૨૭ ફૂટની ક્ષમતા ધરાવતો આ ડેમ અગાઉ ૦.૬૨ ફૂટ જેટલો જ ભરાયેલો હતો. વરસાદના કારણે ડેમમાં ૮.૫૦ ફૂટ નવા નીર આવ્યા છે. જેને પરિણામે ડેમની સપાટી હાલ ૯.૧૦ ફૂટે પહોંચી છે. જ્યારે બ્રાહ્મણી બે ડેમની વાત કરીએ તો આ ડેમમાં પણ 150 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેથી હળવદના બંને ડેમોમાં વરસાદી પાણીની આવક થઈ છે. જ્યારે બીજી તરફ વરસાદના કારણે હળવદ pgvcl ના ડિવિઝન હેઠળ આવતા ચારે સબ ડિવિઝનના 16 જેટલા ફીડરો બંધ હતા જે pgvcl ના અધિકારીઓ દ્વારા મોડી સાંજ સુધીમાં કાર્યરત કરી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.