બાળકો ગાઈ શકે તેવા સાઈઠ બાળગીતોનો રસથાળ એટલે 'પરીબાઈની પાંખે' બાળ કાવ્ય સંગ્રહ ટંકારા: મોરબી પંથકમાં ઘણાં બધાં કવિ લેખકો દ્વારા અવનવું સાહિત્ય સર્જન થતું રહે છે. જેમાં મોટાભાગના સાહિત્યનું લેખન શિક્ષકો દ્વારા થાય છે. ત્યારે ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રા.શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન પીપલીયાની કલમથી લખાયેલ બાળકાવ્ય સંગ્રહ 'પરીબાઈની પાંખે' કાવ્ય પુસ્તિકાનો વિમોચન કાર્યક્રમ ટંકારા તાલુકાની આર્યમ્ વિદ્યાલય ખાતે યોજાયો હતો. જીવતીબેન પીપલીયાના પુસ્તક વિમોચન પ્રસંગે જાણીતા સાહિત્યકાર યશવંત મહેતા, લેખક અને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત નટવર ગોહેલ, શિક્ષક અને લેખક ધર્મેન્દ્ર પટેલ, સ્નેહલ નિમાવત, પ્રવીણ પ્રકાશનના પ્રકાશક ગોપાલ પટેલ, કમલેશ કંસારા, ડો.સતિષ પટેલ, પ્રકાશ કુબાવત વગેરે લેખકો તેમજ ભરતભાઈ વિડજા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી તેમજ નિલેશભાઈ રાણીપા જિલ્લા શિક્ષણાધિકારી મોરબી તેમજ ખુબજ મોટી સંખ્યામાં શિક્ષણવિદો, રાજકીય હસ્તીઓ, શિક્ષકો, સી.આર.સી., બી.આર.સી. વગેરેની ઉપસ્થિતિમાં તમામ મંચસ્થ મહાનુભાવો તેમજ ડો.ચેતનાબેન વ્યાસ અને જાણીતા માનીતા સાહિત્યકાર એવા નટવર પટેલે ઓડીઓ વીડિયોના માધ્યમથી બાળ કાવ્યના લેખિકા જીવતીબેન પીપલીયાને બાળ કાવ્ય સંગ્રહ દ્વારા બાળકોની કલ્પના શક્તિ વિકસાવવાની સુંદર પ્રવૃત્તિને બિરદાવી હતી, વધાવી હતી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની લેખન યાત્રા સતત અવિરત ચાલતી રહે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પચીસ જેટલા લેખકો, કવિઓ, મહાનુભાવો, શિક્ષણવિદો વગેરેનું વિશિષ્ટ સન્માન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટના પૂર્વ નાયબ નિયામક ડો.ચેતનાબેન વ્યાસ લિખિત પુસ્તક 'યોગ વિયોગ' અને મહર્ષિ દયાનંદ સરસ્વી લિખિત 'સત્યાર્થ પ્રકાશ' પુસ્તક અર્પણ કરી ખેસ પહેરાવી અદકેરું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી તેમજ ભાવેશભાઈ સંઘાણી પ્રિન્સિપાલ છત્તર શાળા અને જી.સી.ઈ.આર.ટી.ના એસ.આર.જી.એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ રાજકોટિયા, રમણિકભાઈ વડાવિયા, દેવ પડસુંબિયા, ડાયાલાલ બારૈયા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તેમજ આર્યમ વિદ્યાલયના આચાર્ય, સંચાલક અને શિક્ષકો તેમજ અન્ય શિક્ષકોએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.