મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટમાં હાલ વરસાદને કારણે એટલી બુરી દશા થઈ ગઈ છે કે, લાતીપ્લોટ વિસ્તારમાં એકપણ રોડ ઉપર નિકળવું સલામતીભર્યું નથી. જેમાં લાતીપ્લોટ-2મા મસમોટા ખાડામાં કાર બુરી રીતે ફસાઈ ગઈ હતી.લાતીપ્લોટની વરસાદ બાદ વધુ બદતર હાલત છતાં તંત્ર તાબોટા પાડતું હોય એવો તાલ સર્જાયો છે. મોરબીમાં ત્રણ-ચાર દિવસથી સતત એકધારા વરસાદને કારણે લાતીપ્લોટની બેહદ દુર્દશા થઈ ગઈ છે. લાતીપ્લોટની દરેક શેરી-વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ ઉપર ફૂટ ફૂટ ખાડા પડી ગયા છે. આમ છતાં તંત્ર ધ્યાન ન આપતા અહીંના લઘુ ઉધોગકારોની હાલત કફોડી થઈ ગઈ છે. દરમિયાન લાતીપ્લોટ-2 નબરમાં આજે કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. લાતીપ્લોટ દશા એટલી બધી ખરાબ છે કે વાહન તો ઠીક ચાલીને નીકળવું પણ મુશ્કેલ છે. ઠેરઠેર પાણી, ખાડા અને ગારા કીચડથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. તેથી લોકોની સહનશક્તિનો અંત આવે એ પહેલાં તંત્ર જાગે તે વધુ જરૂરી છે.