માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રક ચાલકની હત્યા કરનાર ક્લીનર પકડાયો મોરબી : માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બંધ ટ્રકમાંથી ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસની તપાસમાં આ ટ્રક ચાલકની હત્યા થઈ હોવાનું અને ક્લીનરે જ આ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. આથી હાલ પોલીસે આરોપી ક્લીનરને પકડી લઈને પૂછપરછ કરતા આરોપી એવી કબૂલાત આપી હતી કે, તેને પૈસા જોઈતા હોય અને ઘરે પણ જવું હોય પણ ટ્રક ચાલક ના પાડતા ઉશ્કેરાયેલા ક્લીનરે ટ્રક ચાલકને પતાવી દીધો હતો. માળીયાના પીપળીયા ચાર રસ્તા નજીક એક બંધ ટ્રકમાંથી ગત તા.7ના રોજ ડ્રાઇવરનો માથાના ભાગે ઇજા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે આ બનાવની તપાસ કરતાં ટ્રક ચાલકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં મૃતક બનાસકાંઠાના ભાભોર તાલુકાના અસાણા ગામના લેરાજી ચમનજી બલોધણા ઉ.35 હોવાની ઓળખ મળી હતી અને ટ્રક ક્લીનર બનાવ સ્થળે હાજર ન મળતા ટ્રક માલિક અને મૃતકના ભાઈઓએ ક્લીનર દિનેશભાઇ વરસંગભાઇ રજપુત રહે.બેણપ તા.સુઇગામ જી.બનાસકાંઠા વાળા ઉપર હત્યા શંકા દર્શાવી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે મૃતકના ભાઈ હિરાજી ચમનજી બલોધણાએ ટ્રક ચાલક સાથે બનતું ન હોવાથી ક્લીનરે હત્યા કરી હોવાની શંકા દર્શાવી હતી. માળીયા પોલીસે આ હત્યાની શંકાના આધારે સઘન તપાસ ચલાવતા આરોપી માળીયાથી સામખીયાળી તરફ જતા કે.જી.એન. હોટેલે હોવાની બાતમી મળી હતી. માળીયા પોલીસે તુરંત જ ત્યાં પહોંચી આરોપી દિનેશભાઇ વરજાગભાઈ બોડાણાને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ એવી કબૂલાત આપી હતી કે, તેણે મૃતક પાસે પૈસા માંગ્યા હતા. પણ ટ્રક ચાલકે પૈસા આપ્યા ન હતા અને ક્લીનરને થોડા દિવસો પછી ઘરે જવું હોય એ બાબતે પણ ઝઘડો થયો હતો. આથી ગુસ્સે થઈ જતા ક્લીનર અને ટ્રક ચાલક વચ્ચે ઝઘડો થયો હતો બાદમાં ક્લીનરે ટ્રકની કેબિનમાં રહેલા વહીલના પાનાથી ટ્રકના ડ્રાઇવરને માથે જીવલેણ ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં કોઈને ખબર ન પડે તે રીતે ટ્રક ચાલકને મૃત હાલતમાં ટ્રકની કેબિનમાં પડતો મૂકી નાસી છૂટ્યો હતો. પણ લાંબા સમય સુધી ટ્રક બંધ હાલતમાં રહેતા લોકોએ તપાસ કરતા આ હત્યાનો બનાવ બહાર આવ્યો હતો અને પોલીસ હત્યાના મૂળ સુધી પહોંચીને આરોપીને દબોચી લીધો હતો.