પત્નીના મૃત્યુ બાદ ધંધામાં જરૂરત પડતા વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયા : જાનથી મારી નાખવા ધમકી મળતા ગુડનાઇટ લિકવિડ ગટગટાવ્યું મોરબી : મોરબીમાં વ્યાજખોરો બેફામ બનતા પોલીસે ચામડાતોડ વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે એકશન મોડમાં આવી ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે એવા સમયે જ 30થી લઈ 60 ટકા વ્યાજ વસુલતા વ્યાજખોરોના ત્રાસ ઉપરાંત જાનથી મારી નાખવા ધમકી અપાતા વેપારીએ ગુડનાઇટ લિકવિડ ગટગટાવી લીધાનો કિસ્સો સામે આવતા પોલીસે 10 વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. અસહ્ય વ્યાજખોરીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક સનરાઈઝ એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા અને સુપર માર્કેટમાં પ્લાસ્ટિકની દુકાન ધરાવતા વેપારી અતુલભાઈ ડાયાભાઈ પટેલના પત્નીના મૃત્યુ બાદ ધંધામાં નાણાની જરૂરત પડતા મિત્રો મારફતે વ્યાજે આપતા લોકોની જાણકારી મેળવી જરૂરત મુજબ 30 ટકાથી લઈ 60 ટકા જેટલા ઉંચા વ્યાજે નાણાં લઈ વ્યાજ સાથે નાણા પરત કરી દીધા હતા. જો કે, વ્યાજખોર જગાભાઈ ઉર્ફે જીગો, રમેશભાઈ બોરીચા, વરૂણભાઈ બોરીચા, રાહુલભાઈ, રવીભાઈ ડાંગર, ડીડીભાઈ રબારી, રાજેશભાઈ બોરીચા, સિધ્ધરાજસિંહ ગોહિલ, ભોલુભાઈ અને કાનો.બી નામે ઓળખાતા વ્યાજખોરોએ વ્યાજ અને મૂડી પરત મેળવી લીધા બાદ પણ વેપારી અતુલભાઈને હેરાન પરેશાન કરી પઠાણી ઉઘરાણી ચાલુ રાખી જાનથી મારી નાખવા ધમકી આપતા અંતે વ્યાજખોરોથી કંટાળી મચ્છર મારવાનું ગુડનાઇટ લિકવિડ ગટગટાવી જિંદગી ટૂંકાવી નાખવા પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે અતુલભાઈ ડાયાભાઈ પટેલની ફરિયાદના આધારે 30 ટકાથી લઈ 60 ટકા માસિક વ્યાજ વસુલનાર દસેય વ્યાજખોરો વિરુદ્ધ આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાધિરધાર અધિનિયમ સને-૨૦૧૧ ના કાયદાની કલમ ૫,૩૩,૪૦,૪૨(એ)(બી)મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.