ચારેય યુવાનોનો પરિવારજનો સાથે સંપર્ક થઈ જતા મોટી રાહત હળવદ : હળવદના ચાર યુવાનો અમરનાથની યાત્રાએ ગયા બાદ ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બાદ સર્પક વિહોણા બની ગયા હતા. ચારેય યુવાનો લાપતા બની જતા હળવદ રહેતા તેમના પરિવારજનો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. અંતે પરિવારજનો સતત સંપર્ક ચાલુ રાખતા તેમની મહેનત ફળી હતી. આ ચારેય યુવાનો અમરનાથમાં હેમખેમ હોવાના સગડ મળતા તેમના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા શામજીભાઈ વશરામભાઈ ભરવાડ (ઉં.વ. ૨૫), પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા (ઉં.વ.૨૫), પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયા (ઉ.વ ૨૫), નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા (ઉ.વ. ૨૧) એમ આ ચાર વ્યક્તિઓ ગત તા.3ના રોજ અમરનાથ યાત્રાએ ગયા હતા. દરમિયાન ગઈકાલે અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના બનતા યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. અમરનાથમાં વાદળ ફાટવાની ઘટનામાં હળવદના આ ચાર યુવાનો પણ એકબીજાથી વિખુટા પડી ગયા હતા અને ચારેય યુવાનો સંપર્ક વિહોણા બની જતા હળવદમાં રહેતા તેમના પરિવારજનો ચિંતાતુર થઈ ગયા હતા અને ગઈકાલથી આ પરિવારજનો યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હતા.દરમિયાન આજે ભારતીય લશ્કરી દળ મારફત હળવદના ચારેય યુવાનો સુરક્ષિત હોવાની હળવદમાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી હતી અને પરિવારજનોએ આ યુવાનો સાથે પણ વાતચીત કરી અને તેમનો સામાન હાલ બીજે ક્યાંક હોય સામાન આવી ગયા બાદ હળવદ પરત ફરશે તેવી વાત થઈ હતી.