માળીયા નજીકના રોહિશાળા ગામે પાણી પુરવઠાની લાઈનમાં ભંગાણ કરાયું મોરબી : હળવદ નજીક આવેલા બ્રાહ્મણી ડેમમાંથી રાજકોટ, મોરબી, જામનગર અને પોરબંદર સહિતના સેંકડો ગામડાઓને પાણી પૂરું પાડવામાં આવે છે તેવી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જી માળીયાના રોહિશાળા નજીક આવેલ સનમાઈકા ફેકટરીના માલિક દ્વારા ગેરકાયદેસર પાણી ચોરી કરવામાં આવતા આ મામલે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના કર્મચારી દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના રોહિશાળા ગામની સીમમાંથી પસાર થતી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની મુખ્ય પાઈપલાઈનમાંથી મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર સહિતના ગામડાઓને પીવાનું પાણી પૂરું પડવામાં આવી રહ્યું છે. આ મુખ્ય પાણીની પાઈપલાઈનમાં રોહિશાળા નજીક આવેલ શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીના માલિક શાંતીલાલ વીરપરા તથા તેના મળતીયાઓ દ્વારા 40 મિમીનું ગેરકાયદેસર કનેક્શન મેળવી પોતાની ફેકટરી અને ફેકટરીમાં રહેતા માણસોના ઉપયોગ માટે લાંબા સમયથી પાણી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. વધુમાં પાણીની મુખ્ય લાઈનમાં બાકોરું પાડી ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં પાણી વાપરવામાં આવતા પાણીની ઘટ પડતા જીડબ્લ્યુઆઈએલ દ્વારા તપાસ કરવામાં આવતા શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીના માલીક શાંતીલાલ વીરપરાએ ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા આ મામલે કંપનીના કર્મચારી પરસોતમભાઇ દુદાભાઇ વાછાણી, રહે. હળવદ દિવ્યા પાર્ક-2, ઇન્ડીયન પેટ્રોલપંપની પાછળ વાળાએ પાણી ચોર સનમાઈકા ફેકટરીના માલિક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે પાણી ચોર ફેકટરી માલિક શાંતિલાલ વિરપરા વિરુદ્ધ આઈપીસી કલમ-430 તથા ગુજરાત ઘર વપરાશી પાણી પુરવઠા અધિનિયમ-2019 કલમ 11 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.