આંગડિયા પેઢીમાંથી રૂપિયા 10.58 લાખ રોકડા લઈ જામ્બુ અને કેક લેવા માટે મોટર સાયકલ રેઢું મુકનાર સિરામીક કર્મચારીને ગઠિયો ભટકી ગયો મોરબી : કેટલીક વખત લાપરવાહી માણસને મુશ્કેલીમાં મૂકી દે છે.. આવી જ એક ગંભીર લાપરવાહી દાખવાનાર સિરામીક ફેકટરીના કર્મચારીને તસ્કર ગઠિયો ભેટી જતા આંગડિયા પેઢીમાંથી રોકડ લઈ એક્સેસ મોટર સાયકલની ડેકીમાં રોકડા રૂપિયા રાખવા ભારે પડ્યા હતા અને એથી પણ આગળ રોકડ ભરેલું મોટર સાયકલ જામ્બુ અને કેક લેવા રેઢું મુકતા રૂપિયા 10,58,900ની રોકડ ગુમાવવાનો વારો આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની આજીવીટો સિરામીક ફેકટરીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતા હેમાંગભાઇ ભરતભાઇ સંઘવી, રહે.મોરબી શનાળા રોડ, શકિતપ્લોટ શેરીનં.8 નવકાર હાઇટસ ફલેટનં.491 વાળાને ગઈકાલે અજાણ્યો તસ્કર, ગઠિયો ભેટી જતા આંગડિયા પેઢીમાંથી મેળવેલ રોકડા રૂપિયા 10,58,900 ગુમાવવા પડ્યા હતા. વધુમાં હેમાંગભાઇ ભરતભાઇ સંઘવીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓને ગઈકાલે ધરતી ટાવરમાં આવેલ એચએમ આંગડિયા પેઢીમાંથી મુંબઈની પેઢીએ મોકલાવેલ રોકડા રૂપિયા 10,58,900નું પેમન્ટ આવ્યું હોવાનો ફોન આવતા તેઓ એક્સેસ મોટર સાયકલ લઈ રોકડ મેળવી પોતાના એક્સેસની ડેકીમાં રાખ્યા હતા. બાદમાં આ રોકડ લઈ તેઓ પોતાની દીકરીનો જન્મ દિવસ હોય શનાળા રોડ ઉપર આવેલ મહાવીર ફરસાણ નામની દુકાને જામ્બુ લેવા ગયા હતા અને ત્યાંથી રવાપર રોડ ઉપર ડાયમંડ બેકરીએ કેકના ઓર્ડરનું શુ થયું તેની તપાસ કરવા માટે મોટર સાયકલ રેઢું મૂકીને ગયા હતા બાદમાં જ્યારે તેઓ ઘેર પહોંચી રોકડ રકમ કાઢવા જતા એક્સેસની ડેકી ખુલ્લી હોવાનું અને ડેકીમાં રાખેલા રોકડા રૂપિયા ગાયબ હોવાનું જણાતા ફરી મહાવીર ફરસાણ અને ડાયમંડ બેકરીએ પહોંચી તપાસ કરી સીસીટીવી ચેક કરતા કશું જોવા ન મળતા અંતે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે સામાન્ય રીતે આવા બનાવમાં પોલીસ ઉપર પસ્તાળ પાડવામાં આવે છે પરંતુ ગઈકાલના આ બનાવમાં માર્કેટિંગ મેનેજર દરજ્જાના માણસની બેદરકારી જવાબદાર હોવાની સાથે આંગડિયા પેઢી મારફતે થતા ગેરકાયદેસરના મોટી રકમના બે નંબરી વહેવારો પણ એટલા જ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.