લાતીપ્લોટમાં ઠેરઠેર પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીના દાવા પોકળ ઠર્યા, અમુક જગ્યાએ ખોદેલા રોડમાં પાણી ભરાયા કે ગારા કીચડ થતા લોકો પરેશાન થયા મોરબી : મોરબીમાં માત્ર બે ઇચ વરસાદમાં પણ શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટની દશા એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, શ્રમિક કે ઉધોગકારોને પોતાના કારખાનામાં જવું હોય તો નાવડી લઈને જવું પડે તેવી નોબત આવી છે. લાતીપ્લોટ બેટમાં ફેરવાયો હોય એ હદે વરસાદી પાણી ભરાયા છે. આથી શ્રમિકો અને લઘુ ઉધોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઠેર-ઠેર પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીના દાવા પોકળ ઠર્યા છે. મોરબીનો લાતીપ્લોટ નગરપાલિકા માટે કમાઉ દીકરો હોવા છતાં સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં મોટી મુશ્કેલી ભોગવે છે. તંત્રના પાપે લાતીપ્લોટની વર્ષોથી આવી કઠણાઈ છે. હાલ પણ હવે ચોમાસુ ધીરે ધીરે જામી રહ્યું છે. એ સાથે જ લાતીપ્લોટની મુશ્કેલી વધી ગઈ છે. ગઈકાલે બે ઈંચ જેવો વરસાદ પડ્યો તેમાં આ લાતીપ્લોટમાં એટલી હદે પાણી ભરાયા છે કે, ઉધોગકારો અને શ્રમિકોને ધંધો કેમ કરવો તેની મોટી મુંઝવણ છે. લાતીપ્લોટ એકદમ નીચાણમા હોવાથી શહેરનું વરસાદી પાણી ભરાઈ જાય છે. હાલ લાતીપ્લોટમાં પાણી ભરાતા લઘુ ઉધોગકારોની કફોડી હાલત થઈ જાય છે. કારણ કે પાણી એટલા ભરાયેલા હોય ધંધો કેવી રીતે કરી શકાય, આથી તંત્ર સમક્ષ ફરી એકવાર આનો કાયમી ઉકેલની માંગ ઉઠી છે. શહેરના ઘણા વિસ્તારોમાં પણ પાણી કે ગારા કીચડ થયા છે. પાણીનો નિકાલ જ ન હોવાથી ઠેરઠેર પાણી ભરાયા છે. પણ ઘણા વિસ્તારમાં રોડના કામ ચાલે છે અને રોડ ખોદી નાખ્યા છે. એટલે વરસાદને કારણે પાણી ભરાયા રબડી રાજ જેવું થઈ ગયું છે અને ઠેરઠેર ગારા કિચડથી લોકોને હાલાકી પડે છે.