મોરબી ખત્રીવાડમાં આપઘાત કરી લેનાર પરિણીતાના પિતાએ સાસુ, જમાઈ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના ખત્રીવાડમાં બે દિવસ પૂર્વે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેનાર પરિણીતાને તને બાળક નથી થતું તેવા મેણા ટોણા મારી પતિ સહિતના સસરિયાઓએ મરવા મજબુર કરી હોવાની ફરિયાદ મૃતક પરિણાતાના પિતાએ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.4ના રોજ ખત્રીવાડ શેરી નંબર -2 માં રહેતા વર્ષાબેન પ્રકાશભાઇ ચૌહાણ ઉ.22 નામની પરિણાતાએ ચાર વર્ષના દામ્પત્ય જીવન બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્ષાબેનના પિતા સુરેશભાઈ ભીમજીભાઈ ચાવડા, રહે. મોરબી નહેરૂગેટ પખાલીની શેરી વાસંગી હોટેલ પાસે વાળાએ તેમની દીકરીને પતિ સહિતના સાસરિયાઓએ મરવા મજબુર કરી હોવાની સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં મૃતક વર્ષાબેનના પિતા સુરેશભાઈ ભીમજીભાઈ ચાવડાએ તેમના જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ જમાઇ, જેઠ યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ, સાસુ કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણ અને જેઠાણી અવનીબેન યોગેશભાઇ ચૌહાણ, રહે. બધા ખત્રીવાડ શેરી નં.-૦2 કૂષ્ણ મહેલ પાસે મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમની પુત્રીના ચાર વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ સહિતના સાસરિયાઓ અવાર નવાર માનસિક ત્રાસ આપી માવતર સાથે ફોનમાં પણ વાતો કરવા દેતા ન હતા. વધુમાં બનાવના આગલા દિવસે પણ મૃતક વર્ષાબેન તેમના પિતાના ઘેર આવી ગયા હતા અને હવે સાસરે નથી જવું તેમ કહી પતિ સહિતના સાસરિયા તને બાળક રહેતું નથી તેવા મેણા મારતા હોવાનું જણાવ્યું હતું. અને તે દિવસે રાત્રે જ પતિ તેણીને તેડી ગયા બાદ બીજે દિવસે સવારે વર્ષાબેને ગળેફાંસો ખાઈ લીધો હોય પતિ, સાસુ, જેઠ અને જેઠાણીએ પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પતિ સહિતના તમામ સાસરિયા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬,૪૯૮(ક),૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.