મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મુદાસરની વિસ્તૃત રજુઆત કરાઈ મોરબી : સિરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં નામના મેળવનાર મોરબી શહેરમાં નગરપાલિકાના શાસનમાં ગામડાથી પણ બદતર સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે મોરબીના ભાજપ અગ્રણી દ્વારા ગુજરાત સરકારને મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા મુદાસરની રજુઆત કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરીને માધાપર, વજેપર, શનાળા, રવાપર, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, લાલપર, વગેરે સહિતના ગામોનો સમાવેશ કરીને મહાનગરપાલિકા (મ્યુનીસીપલ કોર્પોરેશન) તરીકે દરજ્જો આપવા ભાજપ અગ્રણી વિજયભાઈ લોખીલ દ્વારા રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરવા માટેની માંગણી, આ અગાઉ પણ મોરબી શહેરના લોકો દ્વારા ઘણાં સમયથી કરવામાં આવેલ છે. તે અંગેની સઘળી માહિતી સભર હકીકતો જે તે સમયે રજૂ કરવામાં આવેલ છે. જે સરકારના સંબંધીત વિભાગમાં હાલે વિચારણા હેઠળ છે. આમ છતાં, મોરબી શહેરની તથા સૂચિત મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ એરિયામાં હાલે ઉપલબ્ધ સગવડોની મુખ્ય હકીકતો, આ સાથે સામેલ રાખી રાજ્ય મંત્રી અને મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને સહયોગ અર્થે મોકલેલ છે. જેથી વહેલી તકે તેઓની આગવી કુનેહ અને વિદ્વતા થી તેઓ નિર્ણય કરાવી શકે. વધુમાં મોરબી નગરપાલિકાને “મ્યુનીસીપલ કોર્પોરેશનમાં” ફેરવવા અંગેની માંગણીઓ સંદર્ભે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોરબી શહેર, જિલ્લાની જાહેર સભામાં ભવિષ્યમાં આ માંગણી અંગે ચોક્કસ અને વહેલીતકે વિચારણા કરવામાં આવશે, તેવી સહાનુભુતી, જે તે વખતે વ્યક્ત કરી હતી. અને ભવિષ્યમાં આ અંગે રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરશે. તેવું પ્રજાજોગ આશ્વાસન પણ આપેલ છે. તે હકીકત પણ ધ્યાન ઉપર મુકવામાં આવી છે. મોરબી નગરપાલિકા “અ” વર્ગની નગરપાલિકા સને 2001 ની સાલ થી છે. અને મોરબી જિલ્લો પણ તારીખ 15/08/2013 (પંદરમી ઓગષ્ટ 2013) થી કાર્યરત થઈ ગયેલ છે. આમ મોરબી શહેર અત્યારે જિલ્લા મથક તરીકે પણ, નવા જાહેર થયેલા તમામ જિલ્લાઓમા અગ્રેસર જિલ્લા મથક તરીકે વિશિષ્ટ સુવિધાઓ વાળુ શહેર બનેલ છે. હવે આ જિલ્લા મથકના હેડ ક્વાર્ટર એવા મોરબી શહેરને મ્યુનીસીપલ કોર્પોરેશનનો દરજ્જો અપાવવાની ખાસ તાતી જરૂરીયાત છે. આ માટે સમગ્ર પ્રજાજનો વતી પણ આ માંગણી તુરત સંતોષાય તેવી અપેક્ષા રાજ્યમંત્રી અને ધારાસભ્ય પાસે વ્યક્ત કરેલ છે. કારણકે તેઓ મોરબી-માળીયા વિધાસભાના લોક પ્રતિનિધિ છે. અને સાથે સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે. તેથી મોરબી નગરના લોકોની તેઓની પાસે અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. અને આ અંગે સત્વરે નિર્ણય કરાવવા અર્થેની ઘટતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજ પણ છે. મોરબી શહેરની 03 લાખ થી વધુ વસ્તીની લાગણી અને માંગણી ને ધ્યાને લઈને મોરબી નગરપાલિકાને “કોર્પોરેશનનો દરજ્જો અપાવવા માટે સહાનુભુતિ પૂર્વક વિચારણા કરીને તુરંત આ અંગે ઘટતું કરાશે, તેવી અપેક્ષા રાજ્ય મંત્રી સમક્ષ વ્યક્ત કરી મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ મુખ્ય હકીકતો ધ્યાન ઉપર મુકવામાં આવી છે. જેમાં મોરબી શહેર તથા આજુબાજુના 15 થી 20 ગામોનો બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થયેલ છે. તેમાં કાર્યરત મોટાભાગના લોકો મોરબી શહેરને “રહેણાક વિસ્તાર તરીકે પસંદ કરેલ છે”. જેના કારણે ખરેખર વસ્તી ગણતરી 2011 કરતાં પણ અત્યારે અઢી થી સાડા ત્રણ ગણી વસ્તી મોરબી શહેરમાં અને મોરબી નગરપાલિકા વિસ્તારમાં રહેણાક ઝોન વિકસાવીને હૈયાત રીતે વસી રહેલ છે. તે રીતે મોરબીમાં આશરે 04 લાખથી વધુ વસ્તી વસવાટ કરે છે. જે મ્યુનીસીપલ કોર્પોરેશન જેટલો ક્રાઇટ એરિયા ધરાવે છે. (સિરામિક સહિતના વિવિધ ઉદ્યોગોના ક્વાટરમાં રહેતા કામદારોને અલગ રીતે ગણીએ તો આ આંકડો ખૂબ મોટો થઈ જાય છે. મોરબી શહેર જિલ્લા મથક છે. અને મોરબી શહેરનો આજુબાજુનો એરિયા પણ મોટા પાયે રહેણાક વિસ્તારની દ્રષ્ટિએ 08 થી 10 ચોરસ કિલોમીટર જેટલો રહેણાક વિસ્તાર વિકાસ પામેલ છે. આ બધા એરિયામાં મોરબી નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે લાઇટ, પાણી, ગટર, આંતરિક રોડ –રસ્તા, આંગણવાડીઓ વગેરે સેવાઓ નગરપાલિકા જેવી સંસ્થા માંડ-માંડ સંભાળી શકે તેવી પરિસ્થિતી રહેલ છે. તેથી મ્યુનીસીપલ કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવે, તો પ્રજાજનોને આ પ્રાથમિક સુવિધાઓ ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી પ્રાપ્ત કરાવી શકાય. અને તે રીતે પણ મોરબીના શહેરી રહેણાક વિસ્તાર તરીકે વિકાસ પામેલ એરિયાને સારી સુવિધા આપવા માટે કોર્પોરેશનના દરજ્જાની તાતી જરૂરીયાત છે. મોરબી શહેરના મધ્યચોકમાં મોરબીની સિવિલ હોસ્પિટલ – ગાંધીચોક એટલે કે મોરબી શહેરની મધ્યમાં આવેલ છે. અને પૂર્ણ કક્ષાની આંખની હોસ્પિટલ પણ રાજ્ય સરકાર તરફથી અલગ દરજ્જાથી ફાળવેલ છે. સાથો-સાથ રાજ્ય સરકારે કોર્પોરેશન એરિયામાં હોય, તે પ્રકારની બ્લડ બેંકની સુવિધા પણ ફાળવેલ છે. “આમ તબક્કે તબક્કે રાજ્ય સરકાર તરફથી મોરબી શહેરને કોર્પોરેશન સમકક્ષ જુદી-જુદી આરોગ્ય વિષયક સુવિધાઓ ભૂતકાળમાં પૂરી પાડેલ છે. તે હેતુ સર પણ ભવિષ્યમાં મોરબી શહેરની નગરપાલિકાને કોર્પોરેશન એરિયામાં તબદીલ કરવાનો હોવાથી, કોર્પોરેશન કક્ષાની આરોગ્ય વિષયક તબીબી સુવિધાઓ પૂરી પાડેલ છે. તેમાં મ્યુનીસીપલ કોર્પોરેશન જો હોય, તો આ સુવિધાઓનો હજુ પણ વધુ વિસ્તૃત વિકાસ કરવાની પૂરતી સુવિધાઓ અત્યારના હૈયાત સરકારી દવાખાનાઓ ધરાવે છે. જે હકીકત પણ આરોગ્ય વિષયક સુવિધા માટે ઘણી મહત્વની છે. આ સિવાય પણ મોરબી શહેરમાં વિવિધ પ્રકારની અન્ય ખાનગી હોસ્પિટલો પણ ઘણી જ વિકાસ પામેલ છે. તેના કારણે પણ લોકો મોરબીના સરાઉંડિંગ એરિયામાં રહેણાંક ઝોન વસાવવાનું પસંદ કરેલ છે. જેને કારણે મોરબી શહેરની વસ્તીનું સુવિધા અંગેનું ભારણ દિવસે-દિવસે ઘણું જ વધે છે. જે હકીકત પણ ધ્યાને લેવા વિનંતી કરવામાં આવી છે. મોરબી શહેર તથા શહેરની આજુબાજુના 02 થી 03 કિલોમીટર વિસ્તારમાં મોટા-મોટા શૈક્ષણિક સંકુલો, વિવિધ પ્રકારની અકેડેમી તથા એજયુકેશન ઈન્સ્ટિટ્યૂટ મોટાપાયે વિકાસ પામેલ છે. જેના કારણે પણ મોરબી શહેરના...