જેપુર નજીક શાંતિવન સોસાયટી પાસે રોંગ સાઈડમાં આવેલા ડમ્પર ચાલકે સર્જાયો અકસ્માત મોરબી : મોરબી નવલખી હાઇવે ઉપર જેપુર ગામ નજીક આવેલ શાંતિવન સોસાયટી પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા ડમ્પર ચાલકે સામેથી આવતા ડમ્પર સાથે અકસ્માત સર્જતાં ડમ્પરના ક્લીનરનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા રણજીતભાઇ સુખાભાઇ મીયાત્રાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે તેઓ ડમ્પર લઈને મોરબી - નવલખી રોડ ઉપર જતા હતા ત્યારે જેપુર નજીક સામેથી રોંગ સાઈડમાં ધસી આવેલા ડમ્પર રજીસ્ટર નંબર GJ-36-T-9505ના ચાલકે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં તેમના ડમ્પરના ક્લીનર કિશોરભાઇ સોમાભાઇ ભંગેરીયા રહેવાસી-કુંતાસી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ બાદ સામે વાળો ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ડમ્પર ચાલક રણજીતભાઇ સુખાભાઇ મીયાત્રાને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે હાલ મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ),૩૩૭ તથા MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૧૯,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.