મોરબી : મોરબીમાં આજે મચ્છુ માતાની રથયાત્રા દરમિયાન કોમી એકતાની અનેરી મિશાલ જોવા મળી હતી. જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ મચ્છુ માતાજીની રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મોરબીમાં આજે સમસ્ત રબારી ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ મચ્છુ માતાજી રથયાત્રા નિર્ધારિત રૂટ ઉપર ફરતી ફરતી નહેરુ ગેઇટ ચોકે પહોંચી ત્યારે કોમો એકતાના અનેરા દર્શન થયા હતા. જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ રસીદમિયા બાપુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ભારે ઉમળકાભેર મચ્છુ માતાજીની રથયાત્રાનું સ્વાગત કર્યું હતું અને મચ્છુ માતાજી મંદિરના મહંતને ફુલહાર પહેરાવી સન્માન કરી અષાઢી બીજ અને મચ્છુ માતાના પ્રાગટય દિનની શુભેચ્છા પાઠવી હતી.