જોધપર નદી ગામે તબેલાથી પરત આવી રહ્યા હતા ત્યારે લીલાપર કેનાલ રોડ ઉપર બનેલી ઘટના : કાર ચાલક ફરાર મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પિતા - પુત્ર જોધપર નદી ગામે તબેલાથી એક્ટિવા ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે લીલાપર કેનાલ નજીક લાડલી પાર્ટી પ્લોટ પાસે કાર ચાલકે હડફેટે લેતા પિતાની નજર સામે યુવાન પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. આ ગોઝારો અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આસોપાલવ સોસાયટીમાં રહેતા મૂળ ખેડા જિલ્લાના જલોયા ગામના વતની દિવ્યેશભાઇ કેશવજીભાઇ પટેલ અને તેમના પિતા કેશવજીભાઈ રણછોડભાઈ પટેલ તા.26ના રોજ રાત્રીના સમયે જોધપર નદી ગામે પોતાના તબેલાએથી એક્ટિવા લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ નજીક કાર નંબર GJ-36-L-4865ના ચાલકે ઠોકર મારતા પિતાની નજર સામે જ દિવ્યેશભાઇ કેશવજીભાઇ પટેલનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતક દિવ્યેશભાઇ કેશવજીભાઇ પટેલના મિત્ર શૈલેષભાઇ ઉર્ફે લાલાભાઇ પ્રભુભાઇ વિઠલાપરાને જાણ થતાં તુરત જ ઇજાગ્રસ્ત કેશવજીભાઈ પટેલને સારવારમાં ખસેડયા હતા અને બનાવ સ્થળે કારની નંબર પ્લેટ તૂટેલી પડી હોય અકસ્માત સર્જી નાસી છૂટેલા GJ-36-L-4865 નંબરની કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.