બેવડી હત્યાના આરોપીઓને તાત્કાલિક અન્ય જેલમાં ખસેડવા રજુઆત કરાઈ મોરબી : મોરબી સબ જેલમાં કેદીને મળવા મામલે જેલ સ્ટાફના કાઠલા પકડી લેવા અને બઘડાટી બોલાવવા મામલે હજુ સુધી જેલ તંત્ર દ્વારા ફરિયાદ નથી થઈ પરંતુ જેલમાં હંગામો મચાવનાર તત્વો વિરુદ્ધ મોરબી બેવડી હત્યાના બનાવમાં પતિ અને પુત્ર ગુમાવનાર ફરિયાદી એવા મહિલાએ મોરબી જિલ્લા પોલીસવડાને ઘટનાની તટસ્થ તપાસ કરવા અને જેલમાં મળતી હોટેલ, હોસ્ટેલ જેવી સુવિધા બંધ કરાવવા લેખિત ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. મોરબી સબ જેલમાં બે દિવસ પૂર્વે બઘડાટી બોલવા અને જેલ સ્ટાફના કાઠલા પકડવાની ઘટનામાં મોરબીના વિશિપરા મદીના સોસાયટીમાં રહેતા રઝિયાબેન ફારૂકભાઈ મોટલાણીએ જિલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી જેલમાં લુખ્ખાગીરી અને દાદાગીરી આચરવાનો તા.25 જુનમાં રોજ જે બનાવ બનેલ છે તેમાં તટસ્થ તપાસ કરી ગુન્હો દાખલ કરવામાં આવે. વધુમાં રઝિયાબેને રજુઆતમાં જણાવ્યું હતું કે, ગત તા.15/9/2021ના રોજ તેમના પતિ સ્વ. ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર સ્વ.ઈમ્તિયાઝ ફારૂકભાઈ મોટલાણીની બેવડી હત્યાના ગુન્હામાં હાલમાં મોરબી જેલમાં રહેલા આરોપીઓએ જ જેલ સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો અને અગાઉ પણ આ આરોપીઓએ સમાજમાં દુષણ રૂપ ગુન્હા આચર્યા હોય હાલમાં આરોપીઓ જેલમાં હોવા છતાં તેમના ડરથી અન્યત્ર રહેવા જવું પડ્યું હોય આ માથાભારે આરોપીઓની જેલ ટ્રાન્સફર કરવા માંગ ઉઠાવી છે. દરમિયાન રઝિયાબેન મોરબી સબ જેલમાં આરોપીઓને હોસ્ટેલ જેવી સુવિધા આપવામાં આવતી હોવાનું અને માંસાહારી ખોરાકની સાથે નશીલા પદાર્થો પણ જેલમાં પહોંચાડવામાં આવતા હોવાનો આક્ષેપ કરી આ મામલે કડક પગલાં ભરવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, ડિસ્ટ્રીકટ જજ, ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા,રેન્જ આઈજી, જેલ સુપ્રિન્ટેડેન્ટ, જિલ્લા કલેકટર સહિતનાઓને પણ અરજીની નકલ મોકલવામાં આવી છે.