ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧ના વિદ્યાર્થીઓને તેમજ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. સાથે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું, ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષા સુધી રમનાર બાળકોનું, એન.એમ.એમ એસ.પરીક્ષા પાસ કરી મેરીટમાં આવેલ બાળકોનું તેમજ શાળાને હંમેશા મદદ કરનાર દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગરના અધિકારી એન.જે. ચિતરીયા, ટંકારાના મામલતદાર કેતનભાઇ સખિયા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન કામરિયા, પ્રભુભાઈ કામરિયા, ટંકારાના બી.આર.સી.કો. ઓર્ડીનેટર ફેફર કલ્પેશભાઈ, લજાઈના સી.આર.સી.કો.ઓ. શૈલેષભાઈ સાણજા, એસ.એમ.સી.અધ્યક્ષ ભાલોડિયા હરેશભાઈ અને સભ્યો અને કમિટીના સભ્યો અને ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આઝાદી કા અમૃત મહોત્સવ વિષય ઉપર શાળાની વિદ્યાર્થીની પાણ ફેન્સી અલ્પેશભાઈ દ્વારા સુંદર વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન પાણ ગુંજન રાજકુમાર તેમજ શેરસિયા પાર્થ વિપુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ચાવડા જશવંતભાઈ દ્વારા કરી કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ખાસ જહેમત ઉઠાવી હતી.