ત્રણેય બાઇક ઉપર માનસર પાસે કામ કરવા માટે આવતી વખતે અકસ્માત સર્જાયો હળવદ : હળવદના માનસર ગામ નજીક આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે ટ્રિપલ સવાર બાઈકને હડફેટે લેતા ફંગોળાઈ જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકમાં બેઠેલા અન્ય બે યુવાનને ઇજા થતાં આ બન્ને તત્કાળ સારવાર અર્થે ખસેડયા છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના માનસર ગામે રહેતા રાજુભાઇ નામના માણસ પોતાની દુકાનના કામ માટે બે શ્રમિકોને બોલાવવા ગયા બાદ આ ત્રણેય યુવાનો એક જ બાઈક ઉપર પરત માનસર તરફ આવી રહ્યા હતા. ત્યારે કાળમુખા ટ્રક ચાલકે આ ટ્રિપલ સવાર બાઇકને જોરદાર ઠોકર મારતા ત્રણેય બાઈક સાથે ઢસડાયા બાદ એક યુવનને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં આ મૃતક યુવાન અલ્પેશ આદિવાસી (ઉ. આશરે 23) હોવાનું જાણવા મળ્યું છે. આ મૃતકને પીએમ અર્થે હળવદની હોસ્પિટલમાં અને બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી ખસેડયા છે. જો કે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક ત્યાં મૂકીને ભાગી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.